અનુરોધ:ટાઢોડામાં બહાર નીકળવાનું ટાળો કારણ-વાયરલ ઝડપી ફેલાય છે!

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભીડવાળી જગ્યાએ ન જવું, ઘરનો ખોરાક લેવો: આરોગ્ય અધિકારી
  • વાદળોના સામ્રાજયથી ભરશિયાળે વરસાદી વાતાવરણ

રાજયના હવામાન વિભાગ દ્વારા કરાયેલી માવઠાની આગાહી વચ્ચે જામનગરમાં બુધવારથી વરસાદી વાતાવરણના કારણે ટાઢોડું છવાઇ ગયું છે. જેના કારણે તાવ, શરદી, ઉધરસના કેસ વધવાની ભીતિ સેવાઇ રહી છે. જામનગર જિલ્લા ઇન્ચાર્જ આરોગ્ય અધિકારીએ ટાઢોડામાં વાયરલ રોગચાળો ઝડપથી ફેલાતો હોય બહાર નીકળવાનું ટાળવા જણાવ્યું છે. ભીડવાળી જગ્યા પર ન જવા અને ઘરનો ખોરાક લેવા જણાવ્યું છે. જામનગર સહિત રાજયભરમાં ગુરૂવાર સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જામનગર-શહેર જિલ્લામાં બુધવારે દિવસભર વાદળોને કારણે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો.

એક બાજુ સવારે ઠંડી અને બપોરે ગરમીના કારણે તાવ, શરદી, ઉધરસ વાયરલ રોગચાળો વકરતા ઘેર-ઘેર કેસ જોવા મળી રહ્યા છે. આ સ્થતિમાં માવઠાની આગાહી વચ્ચે ટાઢોડું છવાતા કેસ વધવાની ભીતિ છે. આ અંગે જામનગર જિલ્લા ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો.બીરેન મણવરે જણાવ્યું હતું કે, ટાઢોડામાં વાયરલ રોગચાળો વધુ ઝડપથી ફેલાય છે.

આથી બને ત્યાં સુધી ઘરનો ખોરાક અને પાણી લેવું હિતાવહ છે. ઠંડીમાં બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું. વાયરલ ખૂબ ચેપી રોગ હોય ભીડભાડવાળી જગ્યા પર જવાનું ટાળવું. જે લોકોને તાવ, શરદી, ઉધરસના લક્ષણો જણાય તો તાકીદે કોરોના ટેસ્ટ કરાવવો. જો કોરોના ટેસ્ટ નેગેટીવ આવે તો પણ ઘરમાં અલગ રૂમમાં ક્વોરેન્ટાઇન રહેવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...