જામનગરની જીજી હોસ્પિટલમાં ગતરાત્રિએ દર્દીના સગાઓ દ્વારા એક રેસિડેન્ટ ડોકટર પર હુમલો કરી કાનનો પડદો ફાડી નખાતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે હળવી કલમો લગાવતા તબીબોએ ભીનુ સંકેલવાનો આક્ષેપ કર્યો છે. આગામી ચોવીસ કલાકમાં આ મામલે યોગ્ય કલમો લગાવી આરોપીઓ સામે કડક પગલાં લેવામાં ન આવે તો રેસિડેન્ટ તબીબોએ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
શું હતો સમગ્ર મામલો?
પલ્મોલોજી વિભાગમાં ફરજ બજવાત ડો. રણજીત મંગળવારે ફરજ પર હતા ત્યારે એક દર્દીના સગાઓ દર્દીના બેડ પર સૂતા હતા. જેથી ડોકટર રણજીતે દર્દીના સગાને ખાટલો ખાલી કરી દેવા જણાવ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા દર્દીના સંબંધીઓએ ડો. રણજીત પર હુમલો કરી કાનનો પડદો ફાડી નાખ્યો હતો. ડોકટર પર હુમલાની આ ઘટના હોસ્પિટલના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. આ મામલે ભોગ બનનાર તબીબ દ્વારા ગતરાત્રિએ જ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ પર ભીનું સંકેલવાનો તબીબનો આક્ષેપ
મંગળવારે રાત્રે હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોકટર સાથે થયેલી મારામારી બાદ આરોપીઓ સામે પોલીસ દ્વારા હળવી કલમો લગાવી હોવાનો રેસિડેન્ટ તબીબો દ્વારા આક્ષેપ કરાયો છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે આરોપીઓ સામે કડક કલમો લગાવવા માગ કરવામાં આવી છે. જો આગામી 24 કલાકમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
તબીબી શાખા માટેની ખાસ કલમ લગાવવામાં આવે- ડો. નંદિની દેસાઈ
એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડીન દ્વારા રેસિડેન્ટ તબીબ પર થયેલા હુમલાની ઘટનાને વખોડવામાં આવી હતી. પોલીસ સીસીટીવીના આધારે ઝડપથી આરોપીઓને ઝડપી કાર્યવાહી કરે તેવી માગ કરવામાં આવી છે. ડીને કહ્યું હતું કે, તબીબી શાખા માટે ખાસ કલમ છે તે કલમ આરોપીઓ પર લગાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવા હુમલા અટકાવી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.