એટીએસનું સર્ચ ઓપરેશન:જોડિયા ડ્રગ્સ પ્રકરણમાં જામનગરના બેડી વિસ્તારમાંથી બે શખ્સોને એટીએસ ઉઠાવી ગઈ, મોરબી ડ્રગ્સ પ્રકરણમાં બંનેની સંડોવણી હોવાનો ખુલાસો

જામનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક પોલીસની મદદથી એટીએસની ટીમે ગરીબનગર અને બેડીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું
  • બંને શખ્સોને પકડી પાડી એટીએસની ટીમ અમદાવાદ લઇ ગઈ

સૌરાષ્ટ્રમાંથી પકડાયેલા 1200 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં વધુ સળવળાટ થયો છે. ગઈકાલે અમદાવાદથી આવેલી એટીએસની ટીમ બેડેશ્વર વિસ્તારમાં રહેતા બે શખ્સોને ઉઠાવી પરત ફરી છે. મોરબી ડ્રગ્સ પ્રકરણમાં બંનેની શંકાસ્પદ ભૂમિકા હોવાની ચર્ચાઓ વચ્ચે એટીએસની કાર્યવાહી વધુ ખુલાસા કરશે એવો અંદેશો સુત્રોએ વ્યક્ત કર્યો છે. જો કે આ કાર્યવાહી અંગે એટીએસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરતું લાંબા સમય બાદ ડ્રગ્સ પ્રકરણમાં વધુ ખૂલાસા થવાના અણસાર સર્જાયા છે.

દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લામાંથી મળી આવેલા બારસો કરોડના ડ્રગ્સ પ્રકરણમાં લાંબા સમય બાદ એટીએસની ગતિવિધિ સામે આવી છે. ગઈકાલે શુક્રવારે અમદાવાદથી એક ટીમ જામનગર આવી પહોંચી હતી. સ્થાનિક પોલીસની મદદથી બેડેશ્વર વિસ્તારમાં એટીએસની ટીમે ગરીબનગર અને બેડીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં હાસમ પઠાણ અને અલ્બાઝ રાવ નામના બે શખ્સોને ઉઠાવી લેવામાં આવ્યા હતા. બંને શખ્સોને પકડી પાડી એટીએસ અમદાવાદ લઇ ગઈ છે.

બંને શખ્સોની મોરબીના ઝાંઝરડા ગામના સાડા ત્રણસો કરોડના ડ્રગ્સ પ્રકરણમાં સંડોવણી ખુલવા પામી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા બંને શખ્સોએ કઈ રીતે આ પ્રકરણમાં મદદ કરી છે ? તેમની પાસેથી ડ્રગ્સનો જથ્થો મળ્યો છે કે કેમ ? સહિતની વિગતો બહાર આવી નથી. પરંતુ બંને શખ્સોની મોરબી ડ્રગ્સ પ્રકરણમાં સંડોવણી હોવાની વિગતો સામે આવી છે. આ બાબતે એટીએસનો સંપર્ક સાધતા તેઓએ બંને સખ્સોની પૂછપરછ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. પરંતુ કેવી રીતે સંડોવણી છે તે બાબત સ્પષ્ટ કરી નથી.

ઉલ્લેખનીય છે કે મોરબી ડ્રગ્સ પ્રકરણમાં જોડિયાના પિતા-પુત્ર અને સલાયાના એક શખ્સની સંડોવણી બહાર આવ્યા બાદ સચાણામાં એટીએસ દ્વારા બોટ કબજે કરવામાં આવી હતી. આ ઉપરાંત બેડીબંદર નજીકથી ખાડી વિસ્તારમાં બાવળની જાળીઓમાં ખાડો ખોદી સંતાડવામાં આવેલ બે કિલો ડ્રગ્સ પણ કબજે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જામનગરના વધુ બે સખ્સોની સંડોવણી સામે આવતા હાલ આ પ્રકરણ તાજું થયું છે.

અન્ય સમાચારો પણ છે...