રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ, વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે જામનગર તાલુકાના બજરંગપુર ખાતે ફુલેશ્વર સિંચાઈ પિયત સહકારી મંડળીનું લોકાર્પણ કર્યું હતું. આ સિંચાઈ યોજના થકી બજરંગપુર, મેળતીયા તથા ધુતારપર ગામની આશરે 4હજાર હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે.
સરકારે સમગ્ર રાજ્યને પાણીદાર બનાવ્યુંઃ રાઘવજી પટેલ
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની તમામ સિંચાઈ પિયત મંડળીઓને રાજ્ય સરકાર પૂરતો વીજ પુરવઠો, ડેમમાંથી પાણીની મંજૂરી તેમજ અન્ય લાભો આપી વિકસીત કરવા કટિબદ્ધ છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ દ્વારા શરૂ કરાયેલ આ મંડળી યોજનાનું આજે ખૂબ જ વિસ્તરણ થઇ રહ્યું છે અને આજે રાજ્યની 286 મી મંડળી લોકાર્પિત થવા જઈ રહી છે. ખેડૂતને પૂરતું પાણી મળી રહે તે માટે સરકારે દરિયામાં વહી જતું નર્મદાનું પાણી વિશેષ આયોજન કરી છેક ઓખા સુધી પહોંચતું કરી રાજ્યોની 18 લાખ હેક્ટર જમીન માટે સિંચાઈની વ્યવસ્થા કરી છે અને સૌની યોજના હેઠળ રૂ.20 હજાર કરોડના ખર્ચે સરકારે સમગ્ર રાજ્યને પાણીદાર બનાવ્યું છે.
આધુનિક સિંચાઈ પદ્ધતિઓ અપનાવવી ખૂબ જ જરૂરીઃ કૃષિ મંત્રી
ઉપસ્થિત સૌ કોઈને પાણીનું મહત્વ સમજાવતા મંત્રીએ ઉમેર્યુ હતું કે, આપણા વિસ્તારમાં બારમાસી નદીઓનું પ્રમાણ નહિવત છે અને જો આવા સંજોગોમાં વરસાદ ઓછો થાય તો તેની સીધી અસર ખેતી અને દેશના વિકાસ પર થાય છે જેથી ટપક પદ્ધતિ વગેરે જેવી આધુનિક સિંચાઈ પદ્ધતિઓ અપનાવવી ખૂબ જ જરૂરી છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરશીભાઇ ચનીયારા, જિલ્લા પંચાયત કારોબારી સમીતીના ચેરમેન ભરતભાઇ બોરસદીયા, પીયત સંઘના પ્રમુખ દેવશીભાઇ સવસાણી, તાલુકા પંચાયત પ્રમુખ હશુભાઇ ફાચરા, કાલાવડ માર્કેટિંગ યાર્ડ ચેરમેન યુવરાજસિંહ જાડેજા, મુકુંદભાઇ સભાયા, ગાંડુભાઇ ડાંગરીયા સહીત બહોળી સંખ્યામાં વિસ્તારના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.