જામનગરમાં ગઇકાલે રાત્રે મોસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાઇટ ઇમર્જન્સી લેન્ડ કરવામાં આવી હતી. ફ્લાઈટમાં બોમ્બની ધમકીનો મેલ ગોવા ATCને મળ્યો હતો. એને લઇને ઇમર્જન્સી લેન્ડ કરાઈ હતી. 09 જાન્યુઆરીની રાત્રે 9.40 વાગ્યાથી બીજા દિવસે બપોરના 1.50 વાગ્યા સુધી દિવ્ય ભાસ્કર દ્વારા લાઇવ અપડેટ્સ આપવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં બોમ્બ હોવાની વાતને લઈને સૌપ્રથમ સમાચાર પણ દિવ્ય ભાસ્કર પર બ્રેક થયા હતા. તો આવો... જોઈએ આ સમગ્ર અહેવાલની પળેપળનાં અપડેટ્સ દિવ્ય ભાસ્કરના રિપોર્ટર હિરેન હીરપરાએ કેવી રીતે કવર કર્યા...
મારા સોર્સે મને કહ્યું, 'હિરેન એક વિમાનમાં બોમ્બ હોવાની આશંકા છે'
હિરેન હીરપરાના શબ્દોમાં... રાત્રે 9.15 વાગ્યે અમે ત્રણ-ચાર મિત્રો ઊભા હતા, ત્યારે લાલ બંગલા સર્કલ પાસેથી જિલ્લા કલેક્ટરની ગાડી પૂરઝડપે સાઇરન વગાડીને જતી હતી, એટલે અમને સવાલ થયો કે આટલી ઝડપથી સાઇરન વગાડતી ગાડી કેમ જઈ રહી છે..? અમે એકબીજાને પૂછ્યું અને ફોન પણ કર્યા, પરંતુ અમને કોઈ માહિતી મળી નહીં. ત્યાર બાદ હું ઘર તરફ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં મને મારા અંગત મિત્ર અને સોર્સનો ફોન આવ્યો, પણ ઉપાડી ન શક્યો, જેથી મેં ગાડી સાઈડમાં પાર્ક કરી તરત જ મેં ફોન કર્યો તો મને મારા મિત્રએ કહ્યું, જામનગર જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા અને મોટી કારનો કાફલો એરપોર્ટ પર પહોંચ્યો છે. ત્યાં એક વિમાનમાં બોમ્બ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. એવી માહિતી મને મળતાં મેં વાતની પુષ્ટિ કરવા માટે મિત્રોને ફોન કર્યા. વાતની પુષ્ટિ થઈ કે એરપોર્ટ ઇન્ટરનેશનલ ફ્લાઇટનું લેન્ડિંગ થયું છે, જેમાં બોમ્બ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
'પ્લેન લેન્ડ થતાંની 8 જ મિનિટમાં હું એરપોર્ટ પહોંચી ગયો'
મને પુષ્ટિ થતાં મેં તરત અમદાવાદ ખાતે આવેલી દિવ્ય ભાસ્કરની હેડ ઓફિસે ફોન કરીને માહિતી આપી અને 10 મિનિટમાં, એટલે કે રાત્રે 9.40 વાગ્યે દિવ્ય ભાસ્કર ડિજિટલ પર સૌપ્રથમ સમાચાર બ્રેક થયા..જ્યારે સમાચાર બ્રેક થયા ત્યારે પ્લેન આકાશમાં ચક્કર લગાવતું હતું. એની નવ મિનિટ બાદ, એટલે કે 9.49 વાગ્યે લગભગ 15 ચક્કર મારીને પ્લેન લેન્ડ થયું હતું. ત્યાર બાદ હું તરત આઠ મિનિટમાં જ એરપોર્ટ પહોંચ્યો, પરંતુ ત્યાં સુરક્ષાકર્મીઓએ અંદર જતાં મને રોકી દીધો હતો. હું પહોંચ્યો એની સાત મિનિટ પહેલાં જ જિલ્લા કલેક્ટર ડો. સૌરવ પારગી અને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ પહોંચ્યા હતા. હું એરપોર્ટની બહાર ઊભો હતો એટલામાં જ એસડીએમ અને ડીવાયએસપી સહિત સુરક્ષાકર્મીઓ, ફાયરબ્રિગેડ, 7થી વધુ 108 એમ્બ્યુલન્સ અને બોમ્બ- સ્કવોડની ટીમ, કસ્ટમ અધિકારીઓ, આઈબીના અધિકારીઓ, ઇન્ટેલિજન બ્યૂરોના અધિકારીઓ, કંપનીઓની બસો, જામનગરની સિટી બસો સહિતના તંત્રના અધિકારીઓ આવ્યા હતા. ત્યાર બાદ ગુજરાત પોલીસના ચેતક કમાન્ડો અને એનએસજી કમાન્ડો પણ મોડી રાત્રે દિલ્હીથી સીધા જામનગર એરપોર્ટ આવી પહોંચ્યા હતા.
'કલેક્ટરે 11.19 વાગ્યે મીડિયાને જાણ કરી'
જામનગર એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ લેન્ડ થઈ એમાંથી 244 જેટલા મુસાફરો સહિત ક્રૂ-મેમ્બરોને સલામતીપૂર્વક બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ વિમાનને ડ્રો કરીને એરફોર્સ અંદર લઈ જવામાં આવ્યું હતું. ત્યાં બોમ્બ-સ્ક્વોડ અને સુરક્ષાકર્મીઓ દ્વારા ઝીણવટભરી તપાસ અને સંપૂર્ણ વિમાનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 236 મુસાફર અને આઠ ક્રૂ-મેમ્બર સહિત 244 લોકોને એરપોર્ટ ખાતે લોન્ચિંગ હોલમાં પ્રતીક્ષા અને આરામ કરવા માટે રાખવામાં આવ્યા હતા, જ્યાં તંત્ર દ્વારા ચા-પાણી-નાસ્તો વગેરે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બધા વચ્ચે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરવ પારગીએ રાત્રે 11.19 વાગ્યે એક ઓડિયો-ક્લિપ વાઇરલ કરીને મીડિયાને જાણકારી આપી હતી.
મુસાફરો અને ક્રૂ-મેમ્બર્સ સલામત છે: કલેક્ટર
મીડિયાને જાણકારી આપતાં જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી, એને લઇ જામનગર એરપોર્ટ ખાતે ડાઇવર્ટ કરવામાં આવી છે. એમાં તમામ મુસાફરો અને ક્રૂ-મેમ્બર્સને સલામત રીતે બહાર કાઢી લેવાયા છે. તે લોન્ચિંગ હોલમાં પ્રતીક્ષા કરે છે. બોમ્બના ડિટેક્શન અને ડિસ્પોઝની કામગીરી ચાલી રહી છે. જિલ્લા કલેક્ટરની ક્લિપ બાદ તરત જામનગર બોમ્બ-સ્કવોડની વધુ એક ટીમ સાધનસામગ્રી અંદર ગઇ હતી તેમજ ઈમર્જન્સી સ્કેનિંગ મશીન મૂકવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત પોલીસનાં તમામ આધુનિક સાધનો એરપોર્ટ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં હતાં.
બપોરે 12:48 વાગ્યે ફ્લાઇટે ઉડાન ભરી
આ તમામ ઘટનાક્રમ સતત અપડેટ્સ સાથે દિવ્ય ભાસ્કર પર રાત્રે 9.49 વાગ્યાથી બીજા દિવસે બપોરના 1.50 વાગ્યા સુધી ચાલ્યો હતો. સૌપ્રથમ ફોટો-વીડિયો પણ દિવ્ય ભાસ્કર દ્વારા બતાવવામાં આવ્યા હતા. મહત્ત્વનું છે કે બોમ્બ-સ્કવોડ દ્વારા બૉમ્બ-ડિટેક્શન અને ડિસ્પોઝની કામગીરી અને NSGની બે ટીમે પણ આખી રાત વિમાનની તપાસ કરી હતી અને સવારે મુસાફરોના તમામ સામાનની તપાસ કરાઇ હતી. વિમાનમાંથી બોમ્બ કે કોઈ શંકાસ્પદ વસ્તુઓ ન મળતાં NSGએ ક્લિયરન્સ આપ્યા બાદ બપોરે 12:48 વાગ્યે ફ્લાઈટે ઉડાન ભરી હતી. આ ઘટનામાં વધુ એ પણ માહિતી મળી છે કે રાત્રે નવ જેટલા વિદેશી પ્રવાસીઓને લાખાબાવડ નજીક આવેલા સેવન સિઝન રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા, જેઓ સવારે ફ્લાઇટ ઊપડી એની પહેલાં એરપોર્ટ પર આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.