જામનગરના નભોમંડળમાં આજે ચોથી જૂનના દિવસે અલૌકિક ખગોળીય ઘટના બની હતી. બપોરના 12 વાગ્યાને 48 મિનિટે સૂર્ય બરોબર મધ્યમાં રહ્યો હોવાથી થોડી ક્ષણ માટે સૂર્યના કિરણો સીધી લીટીમાં પડયા હોવાથી તેનો શેડો ગાયબ થયો હતો. જેથી આજના દિવસને ઝીરો શેડો ડે તરીકે ઉજવાયો હતો. આજે બપોરે થોડીવાર માટે લોકોના પડછાયા ગાયબ થયા હતા.
આ અલૌકિક ઘટનાના જામનગર જિલ્લાના કલેકટર, મ્યુનિસિપલ કમિશ્નર,અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી વગેરે સાક્ષી બન્યા હતા. જામનગર ખગોળ મંડળ દ્વારા તેના નિદર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આજે 4 જૂનના બપોરે જામનગર સેવાસદન કચેરીના પટાંગણમાં આ ખગોળીય ઘટનાનું નિદર્શન ખગોળ મંડળના કિરીટ શાહ તથા અમિત વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ વેળાએ જામનગરના જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધી, મ્યુનિસિપલ કમિશ્નર વિજયકુમાર ખરાડી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મીતેશકુમાર પંડ્યા, પ્રાંત અધિકારી આસ્થા ડાંગર, વેપારી અગ્રણી વગેરે હાજર રહ્યા હતા, અને 'ઝીરો શેડો ડે' ની અલૌકિક ઘટના નિદર્શનના સાક્ષી બન્યા હતા.
વર્ષ દરમિયાન બે વખત બનતી આ ઘટના આજે 4 જુનના બપોરે 12.48 મિનિટે જામનગરમાં જોવા મળી હતી. સૂર્ય તેની ઉત્તરાયણ તરફની ગતિ દરમિયાન આજરોજ જામનગર શહેરના નભોમંડળમાં બરાબર માથા ઉપરથી પસાર થયો હતો. આ દરમિયાન બપોરે 12.48 મિનિટે નિદર્શન માટે મૂકવામાં આવેલી દરેક વસ્તુઓનો પડછાયો અદ્રશ્ય થઈ ગયો હતો. આ ઘટનાને જુદા જુદા મોડેલ દ્વારા દર્શાવવામાં આવી હતી, જેના સર્વે મહાનુભાવો સાક્ષી બન્યા હતા.
આગામી 21 મી જૂન પછીથી સૂર્ય તેની દક્ષિણાયન ગતિ દરમિયાન ફરીથી 8 જુલાઈના રોજ બપોરે 12.55 કલાકે ફરી જામનગરના માથા ઉપરથી પસાર થશે. ત્યારે ફરી 'ઝીરો શેડો ડે' આવશે. આમ કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેના વિસ્તારમાં વર્ષમાં બે વખત 'ઝીરો શેડો ડે' માણી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.