પૂરગ્રસ્ત ખેડૂતોને મળતી સહાય વધારાશે:રાઘવજી પટેલે કહ્યું- 'બાવા આદમના સમયના સહાયના ધોરણો સુધારવા પડશે, તો જ લોકોને લાગશે કે સરકારે કંઈક મદદ કરી'

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો માછીમારો માટે સહાયની રકમ વધી શકતી હોય તો ખેડૂતો માટે પણ વધવી જોઈએ- રાઘવજી પટેલ

જામનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિવૃષ્ટિના કારણે પાક, ખેતીની જમીન અને પશુઓને નુકસાન થયું છે. ત્યારે તાજેતરમાં જ કૃષિમંત્રીનો ચાર્જ સંભાળનાર રાઘવજી પટેલ એકશનમાં જોવા મળી રહ્યા છે. પૂરના કારણે ખેડૂતોને થયેલી નુકસાનીની સહાયની રકમમાં વધારો કરાવવામા રાઘવજી પટેલ સફળ રહ્યા છે. રાઘવજી પટેલે કહ્યું હતું કે, બાવા આદમના સમયના સહાયના ધોરણો સુધારવા પડશે, તો જ લોકોને લાગશે કે સરકારે કંઈક મદદ કરી.

'બાવા આદમના સમયના સહાયના ધોરણો સુધારવા પડશે'
જામનગર જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ જામનગરમાં રાઘવજી પટેલે કહ્યું હતું કે, મેં મુખ્યમંત્રીને સમગ્ર સ્થિતિથી વાકેફ કર્યા હતા. મેં કહ્યું હતું કે, બાબા આદમના સમયના સહાયના ધોરણ બદલવા પડશે, તો જ લોકોને લાગશે કે સરકારે કંઈક મદદ કરી. પશુપાલકોને અત્યાર સુધી 3 પશુઓના મોત સુધી સહાય મળતી હતી, જે હવે 5 પશુઓ સુધી મળશે.

'માછીમારોની સહાયની રકમ વધી શકે તો ખેડૂતોની કેમ નહીં?'
રાઘવજી પટેલે કહ્યું હતું કે, મેં સહાયની રકમમાં વધારો કરવાની દરખાસ્ત કરતા કેટલાક અધિકારીઓએ તે શક્ય ના હોવાની વાત કરી હતી. પરંતુ, મેં કહ્યું હતું કે, તાઉ-તે વાવાઝોડા સમયે જવાહરભાઈ ચાવડા માછીમારોની સહાયની રકમમાં વધારાનો પરિપત્ર કરી શકતા હોય તો પછી ખેડૂતો માટે કેમ ના થાય?

'જમીન ધોવાણ અને પાક નુકસાનનો સર્વે પણ થશે'
કૃષિમંત્રીએ કહ્યું હતું કે, પૂરના કારણે ખેડૂતોના ઉભા પાકને અને જમીનને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આ બંને નુકસાનીનો સર્વે કરાયા બાદ સરકાર તરફથી સહાયની ચૂકવણી કરાશે.

અન્ય સમાચારો પણ છે...