ખેડૂતોની આવક વધારવા માટે રાજય સરકારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવેલી એ.પી.એમ.સીમાં ખેડૂત દ્વારા વેચાણ થતી ડુંગળી માટે ખેડૂતોને પ્રતિ કિલોએ રૂ.૨ની આર્થિક સહાય કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં એક ખેડૂત દીઠ મહત્તમ 25000 કિલોના વેચાણ સુધી એટલે કે મહત્તમ રૂ.50000 સુધી મળવાપાત્ર થશે.
આ આર્થિક સહાય માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.100 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે તેમ કૃષિ મંત્રી રાધવજીભાઇ પટેલે જણાવ્યુ હતું. કૃષિ મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર વિસ્તારમાં રવી ઋતુમાં અંદાજીત 88000 હેક્ટરથી વધારે વિસ્તારમાં ડુંગળીનું વાવેતર થયું છે.
જે સામાન્ય વાવેતર વિસ્તાર કરતાં વધારે હોઈ સરેરાશ અંદાજે વધુ ઉત્પાદન થયું છે. જેના કારણે સૌરાષ્ટ્ર વિસ્તારની વિવિધ માર્કેટ યાર્ડમાં ડુંગળીની ભારે માત્રામાં આવક થઇ છે. પરિણામે ૧ એપ્રિલથી એ.પી.એમ.સી માં ડુંગળીના વેચાણ ભાવ ઘટ્યા છે. પોષણક્ષમ ભાવ ન મળતા, ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પુરી પાડવા માટે અનેક રજૂઆતો રાજ્ય સરકારને મળી હતી.
રાજ્ય સરકારે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલતા દાખવતા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ડુંગળી પકવતાખેડૂતોને આર્થિક સહાય પુરી પાડવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.તેમણે જણાવ્યું હતું કે વિવિધ એપીએમસીમાં ડુંગળીનું વેચાણ કરતા ખેડૂતોની દેખરેખ અને નિરિક્ષણની કામગીરી, ખેતબજાર નિયામક અને ગ્રામ્ય અર્થતંત્ર દ્વારા કરવાની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.