• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Assistance Disbursed Over 1.18 Crore In Last 3 Months In Jamnagar District, Assistance Sanctioned For Maintenance Of 22 Gaushalas And 4,301 Cattle In Cages

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના:જામનગર જિલ્લામાં છેલ્લા 3 માસમાં 1.18 કરોડથી વધુની સહાય ચુકવાઈ, 22 ગૌશાળાઓ અને પાંજરાપોળના 4,301 પશુઓના નિભાવ માટે સહાય મંજૂર

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ અનુસાર ગાય એ માનવજીવન માટે અત્યંત આવશ્યક અને પુજનીય પ્રાણી છે. હિન્દુ ધર્મના લોકો ગાયમાં તેત્રીસ કોટિ દેવતાઓનો વાસ હોવાનું માને છે. આમ પણ ગાયના દુધ, દહીં, છાશ, માખણ, ઘી સૌથી વધુ પૌષ્ટિક, શ્રેષ્ઠ અને સંપૂર્ણ આહાર પુરવાર થયેલ છે. તદઉપરાંત તેના મળમુત્ર અને છાણ પણ અનેક ઔષધિય ગુણોથી ભરપૂર હોવાથી ગાયને કામધેનું પણ કહેવાય છે. પ્રાચીન સમયમાં સોનારૂપા સાથે ગાયોનું દાન ખૂબ મહત્વપૂર્ણ ગણાતું હતું. ઘરમાં ગાયોની સંખ્યા સમૃધ્ધિનું પ્રતીક મનાતી હતી. ઘરમાં પોતીકો કુવો, આંગણામાં તુલસી અને પીપળાનું વૃક્ષ તથા આંગણે ગાયનું હોવું ઘરની પવિત્રતામાં વૃધ્ધિજનક મનાતું હતું. આમ ગાય એ પુરાતન કાળથી જ માનવ જીવન સાથે જોડાયેલ અભિન્ન અંગ છે.

વર્તમાન સમયમાં ગુજરાત સરકારે અભિનવ અભિગમ અપનાવી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના શરૂ કરીને સમગ્ર દેશમાં એક નવી પહેલ કરી છે. નાણાકીય વર્ષ 2022-23ના બજેટમાં ગુજરાત સરકારે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી જેનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવરાત્રિના શુભ અવસર પર આદ્યશક્તિ ધામ અંબાજી ખાતેથી કરાવ્યો હતો. આ યોજના હેઠળ, ગાયોની જાળવણી માટે કાર્યરત ગૌશાળાઓ અને પાંજરાપોળના સંચાલકને પશુ દીઠ પ્રતિ દિન 30 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. જેનાથી ગૌશાળાઓમાં આરોગ્ય સેવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. અને ગાયોને અપાતા ખોરાક-પાણી-સારવારનું સુદ્ઢ સંચાલન કરીને ગાયોનું સંરક્ષણ અને સંવર્ધન કરી શકાશે. મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાના સંચાલન માટે સરકાર દ્વારા રૂ. 500 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે.

આ યોજના થકી ગુજરાતમાં ગૌવંશના જતન અને સંવર્ધનમાં અનેક ગણો લાભ થયો છે. મુંગા પશુઓ માટે સંવેદના દાખવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આ યોજનાના ત્વરિત અમલીકરણ થકી સમગ્ર ગુજરાતમાં વધુ અને ત્વરિત લાભ આપી આગવી દિશા કંડારી છે. જ્યારે જામનગરના કલેકટર ડો.સૌરભ પારધી તથા જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલે જામનગર જિલ્લાની ગૌશાળા તથા પાંજરાપોળો માટે ત્વરિત સહાય ચુકવી આ યોજનાને વધુ લાભદાયી અને ફળદાયી બનાવી છે.

આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા પશુપાલન અધિકારી ડો.તેજસ શુકલએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત એક હજારથી ઓછું પશુધન ધરાવતી ગૌશાળાઓને સહાય ચુકવવાની દરખાસ્ત જિલ્લા કક્ષાએથી મંજુર કરવામાં આવે છે જ્યારે એક હજારથી ઓછું અને ત્રણ હજારથી વધુ પશુધન ધરાવતી સંસ્થાઓને રાજ્ય સરકાર દ્વારા સહાય મંજુર કરવામાં આવે છે.જે સહાય ગુજરાત ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગાંધીનગર દ્વારા ચૂકવવામાં આવે છે. જામનગર જિલ્લામાં જિલ્લા પંચાયત દ્વારા 22 સંસ્થાના 4301પશુઓ માટે દૈનિક રૂપિયા 30 લેખે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માસના 92 દિવસના રૂ.1,18,70760 રૂપિયાની રકમ ચૂકવવામાં આવી છે.
​​​​​​​મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ગૌશાળાઓ અને પાંજરાપોળની રખડતી ગાયો અને તેમના વાછરડાંઓની જાળવણી માટે આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજના થકી રસ્તાઓ પર રખડતી ગાયોને રક્ષણ અને સુરક્ષા મળશે અને સાથે સાથે સામાન્ય જનતાને પણ રખડતી ગાયોથી થતા નુકસાનથી બચાવી શકાશે. ગૌ માતા પોષણ યોજના ગુજરાત 2023 નો મુખ્ય ઉદ્દેશ્ય ખાસ કરીને રખડતી ગાયોને અકસ્માત, રોગ અને શારીરિક વેદનાથી બચાવવાનો છે. આ સહાય માટે અરજી કરવા માટેની લાયકાતમાં જોઇએ તો ગૌશાળા અને પાંજરાપોળ 31/03/2022 પહેલા રજીસ્ટર્ડ થયેલી હોવી જોઈએ.
​​​​​​​મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાના ફાયદા
ગુજરાત સરકારની આ પહેલથી રખડતી ગાયોને રક્ષણ અને પોષણ મળશે. ગૌમાતા પોષણ યોજના ગુજરાત 2023 દ્વારા ગૌશાળાઓમાં આરોગ્ય સેવાઓનો ઉમેરો કરવામાં આવશે. આ યોજના દ્વારા ગાયો માટેના આશ્રયસ્થાનોમાં ગાયોની જાળવણી અને સંરક્ષણ માટે લોકોને નોકરી પર રાખવામાં આવશે, જેનાથી રોજગારીનું સર્જન થશે. આ ઉપરાંત ગૌશાળાઓમાં ગાયોના ખોરાક માટે યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવશે. જેથી ગાયો સ્વસ્થ રહે અને બીમાર ઓછી થાય. આમ આ યોજના થકી ખરા અર્થમાં ગૌવંશનું ગૌમાતા તરીકેનું સ્થાન સુનીશ્ચિત થઇ શકયું છે.

અન્ય સમાચારો પણ છે...