જામનગરમાં ખેતી બેંકના બે કર્મચારીઓએ બેંકમાં ખાતા ધરાવતા ખેડૂતોની જાણ બહાર ગેર કાયદેસર વ્યવહાર કરી 2 કરોડ ઉપરાંત રૂપિયાની ઉચાપત કરી આર્થિક કૌભાંડ આચર્યું હતું. આ ઘટનામાં એક વર્ષ પૂર્વે બંને સામે નોંધાયેલી ફરિયાદ બાદ સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપવામાં આવી હતી. ત્યારે સીઆઈડીની ટીમે ગઈકાલે રાજકોટથી એક શખ્સને પકડી પાડ્યો છે. બંને કર્મચારીઓએ છેલ્લા છ વર્ષના ગાળામાં ખેડૂતોના ખાતામાંથી ધિરાણની રકમ ઉપાડી કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
જામનગરમાં જૂની આરટીઓ કચેરી પાસે આવેલી ખેતી બેંકમાંથી આર્થિક કૌભાંડ સામે આવ્યું છે. જેની વિગત મુજબ, અહી બેંકમાં ફરજ બજાવતા દિપકરામ જુગતરામ ભટ્ટ રહે.રોયલ ગ્રીન સોસાયટી ગાંધી ચોક પી.જી.વી.સી.એલ. ની પાછળ ધ્રોલ જી.જામનગર તથા અને સહેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા રહે.શીવશક્તી તીલજી પાર્ક શેરી.નં.6 બ્લોક.નં.8 ગુંજન વિહારની સામે યુનીવર્સીટી રોડ રાજકોટ વાળા બંને કર્મચારીઓએ વર્ષ 2014 થી 2020 સુધીના છ વર્ષના ગાળામાં એક બીજાથી મેળાપીપણુ કરી કૌભાંડ આચર્યું હતું.
આ બંને શખ્સોએ બેંકમાંથી ધિરાણ મેળવનારા ખેડૂતોની રકમ બાકી હોવા છતાં રકમ ચૂકતે થઇ ગઈ હોવા અંગેના બેંકના તારણ મુક્તિના દાખલા પણ ચેકચાક કરી બનાવી લઇ, આ દાખલા બેંકમાં રજુ કરી બે કરોડની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. બેંકના રેકર્ડમાં ચેકચાક, સુધારા વધારા કરી બેંકના સીરીયલ નંબર વાળા, સીરીયલ નંબર વગરના ધીરાણના તારણ મુક્તીના પ્રમાણપત્રો (દાખલા), ખેડૂતોના ધીરાણની રકમો મુદત વીતી ગયા બાદ પણ બાકી હોવા છતા ખોટા અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરી, સહીઓ કરી ખેડૂતોના ધીરાણની રકમો બાકી હોવા છતા ગેરકાયદેસર રીતે ધીરાણની રકમો ચુકતે બતાવી હતી.
ત્યારબાદ તે અંગેના ખોટા પ્રમાણપત્રો(દાખલા) આપી, તેમાં સહી-સીક્કાઓ કરી, ખોટા સર્ટી તથા પહોંચ બનાવી, ખરા તરીકે ઉપયોગ કરી ખેડૂતોને આપી, બેંકના રૂપીયા 2,04,21,997ની રકમ પોતાના અંગત ફાયદા માટે ઉચાપત કરી, વિશ્વાઘાત, છેતરપિંડી આચરી હતી. આ આર્થિક કૌભાંડ અંગે બેંક મેનેજર વિક્રમજી ઠાકોરે બંને કર્મચારીઓ સામે સીટી એ ડીવીજનમાં આઈપીસી કલમ 406,408,409, 465,466,467, 468,471,114 મુજબ ફરિયાદ નોંધાવી હતી.
આ કૌભાંડની સીટી એ ડીવીજનમાં ફરિયાદ નોંધાયા બાદ સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપવામાં આવી હતી. સી આઈડી ક્રાઈના પીઆઈ જે જે ચોહાણ, હેડ કોન્સ્ટેબલ પંકજ ઠાકર અને મેહુલ ચોહાણ સહિતની ટીમે તપાસ હાથ ધરી એક વર્ષ બાદ આરોપી સહેન્દ્રસિંહ ઉર્ફે શૈલેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા નામના શખ્સને રાજકોટથી પકડી પાડ્યો છે. પોલીસે આ શખ્સને પકડી પાડી કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.