સમીક્ષા બેઠક:જામનગરમાં ભારે વરસાદમાં જાનમાલની નુકસાની અટકાવવા વ્યવસ્થા ઉભી કરાઈ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા વહીવટી તંત્રએ કરેલી તૈયારીની રાજ્યમંત્રીએ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી
  • રોડ અને રસ્તા, વીજ પુરવઠો, આશ્રયસ્થાનો, રાહત અને બચાવ કામગીરી અંગે જરુરી સૂચનાઓ અપાઈ

જામનગરની કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષ સ્થાને ભારે વરસાદના અનુસંધાને જામનગર જિલ્લામાં જાહેર થયેલા રેડ એલર્ટના પગલે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંગેની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં મંત્રીએ જુદા જુદા વિભાગના અધિકારીઓ પાસેથી વરસાદી કામગીરી અંગેની વિગતો મેળવી હતી.મંત્રીએ તમામ તાલુકાઓમાં થયેલા કુલ વરસાદની માહિતી મેળવી ડેમના દરવાજાઓ ખોલવાની સ્થિતિ ઊભી થાય તો જરૂરી તકેદારી રાખવા સૂચન કર્યું હતું.

તેમણે વરસાદથી ધોવાયેલા રોડ-રસ્તાનું તત્કાલિક સમારકામ કરી પૂર્વવત્ કરવા, વીજ પુરવઠો ન ખોરવાય તે માટે જરૂરી ટીમો તૈયાર કરવા, એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ.ની ટીમોની વ્યવસ્થા, તાલુકા વાર આશ્રયસ્થાનોની સ્થિતિ, ફૂડ પેકેટની વ્યવસ્થા, પાણી પુરવઠો તેમજ આવાગમનની વ્યવસ્થા વગેરેની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મંત્રીએ જણાવ્યું હતું કે ગત વર્ષમાંથી બોધપાઠ લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં જાનમાલની નુકસાની અટકાવવા વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારા, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં મંત્રી દ્વારા તમામ અધિકારીઓને જરુરી સૂચનાઓ આપી હતી અને બચાવ કાર્ય ઝડપથી હાથ ધરાય તેવી સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...