જામનગર મહાનગરપાલિકાના વિપક્ષ નેતા, ઉપનેતા અને દંડકની આજે નિમણૂક કરવામાં આવી હતી. જેમાં પાલિકાના વિપક્ષ નેતા તરીકે ઈતિહાસમાં પ્રથમ વખત ભાનુશાળી સમાજમાંથી આવતા અને વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર ધવલ નંદાની નિમણૂક કરવામાં આવી છે. બસપાના વોર્ડ નંબર 6ના નગર સેવક રાહુલ બોરીચાની ઉપનેતા તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે વોર્ડ નંબર એકના મહિલા નગર સેવિકા સમજુબેન પારીયાની દંડક તરીકે નિમણૂક કરાઈ છે.
10 કોંગ્રેસના અને ત્રણ બહુજન સમાજ પાર્ટીના નગર સેવકો
જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષમાં 13 સભ્યો છે. જેમાં 10 કોંગ્રેસના અને ત્રણ બહુજન સમાજ પાર્ટીના નગર સેવકો છે. વિપક્ષ નેતા તરીકે વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવક ધવલ નંદાની નિમણૂક કરવામાં આવી છે. તેમજ ઉપનેતા તરીકે બહુજન સમાજ પાર્ટીના યુવા કોર્પોરેટર રાહુલ બોરીચાની નિમણૂક કરાય છે. આ ઉપરાંત દંડક તરીકે મહિલાને સ્થાન આપવામાં આવ્યું છે. વોર્ડ નંબર એકના નગરસેવિકા કોંગ્રેસના સમજુબેન પારિયાની દંડક તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મહાનગરપાલિકાની અંદર વિપક્ષમાં જ્ઞાતિ સમીકરણ જોઈને નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય ખંભાળિયાના વિક્રમ માડમ દ્વારા પ્રદેશમાંથી આવેલું કવર ખોલી નામ જાહેર કરવામાં આવ્યું હતું. વિપક્ષ નેતા તરીકે ધવલ નંદાની નિમણૂક કરવામાં આવી છે, જે યુવા નેતા તરીકે કોંગ્રેસ પાર્ટીમાં છાપ ધરાવે છે. બીજી તરફ બહુજન સમાજ પાર્ટીના ઉપનેતા તરીકે રાહુલ બોરીચાની નિમણૂક કરવામાં આવી છે તે પણ યુવા નેતા છે અને દંડક તરીકે સમજુબેન પાળીયાની નિમણૂક કરવામાં આવી છે. તેઓ પ્રથમ વખત મહાનગરપાલિકાના નગરસેવક તરીકે ચૂંટાયા હતા અને પ્રથમ પાંચ વર્ષની અંદર જ તેઓને દંડક તરીકે સ્થાન મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.