રજૂઆત:વસીમ રીઝવી સામે ગુનો નોંધવા જામનગરમાં આવેદન

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુન્ની દારૂલ કઝા સંસ્થાએ પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી

ઉત્તર પ્રદેશના શિયા વકફ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ વસીમ રીઝવી સામે ફોજદારી ગુન્હો દાખલ કરવા અને તેના વિવાદાસ્પદ પુસ્તકને પ્રતિબંધીત કરવાની માંગણી સાથે જામનગરમાં સુન્ની દારૂલ કઝા નામની સંસ્થા દ્વારા જામનગર એસ.પી. કચેરીએ એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જામનગરના એએસપીને સુપ્રત કરાયેલ આ આવેદન પત્રમાં જણાવાયું છે કે, વસીમ રીઝવી વારંવાર ભારતમાં શાંતિ ભંગ થાય તેવા નિવેદનો આપવા માટે કુખ્યાત છે. હાલ આ વસીમ રીઝવી પયગંબરે ઇસ્લામ તેમજ ઇસ્લામ ધર્મની વિરૂદ્ધમાં મુહમ્મદ નામની બુક પ્રકાશિત કરીને મુસ્લિમ ધર્મને બદનામ કરવા માટે કોશીષ કરી છે. આ પુસ્તકને લીધે મુસ્લિમોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી છે. આમ કરીને આ શાંતિપ્રિય દેશમાં અશાંતિ ફેલાવવા અને અરાજકતા ફેલાવવાની અને તે રીતે વિશ્વમાં ભારતને બદનામ કરવાનું એક ષડયંત્ર રચેલ છે. હાલ તેમની વિવાદીત બુક અને તેના વિવાદીત નિવેદનોને કારણે દેશભરના મુસ્લિમોમાં વિરોધ છે. વર્ગ-વિગ્રહ ફેલાય તેવી પ્રવૃત્તિ સબબ વસીમ રીઝવી સામે ફરિયાદ નોંધવા તેમજ આ વિવાદાસ્પદ પુસ્તકને તાત્કાલિક અસરથી પ્રતિબંધીત કરવા માંગણી કરાઇ છે.

આ આવેદન પત્ર આપતી વખતે સુન્ની દારૂલ કઝા સંસ્થાના સૈયદ સલીમ એહમદ કાદરી, મુફતી અસગરભાઇ કેર, મૌલાના સુલેમાન બરકાતી, મૌલાના અસરફ બરકાતી તથા ઓલ ઇન્ડિયા સુન્ની મુસ્લિમ વાઘેર સમાજના પ્રમુખ એડવોકેટ હારૂન પલેજા, જોડિયાભુંગાની જુમા મસ્જીદના ટ્રસ્ટી અજીઝ ચાવડા અને એડવોકેટ શકિલ નોયડા વિગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...