જામનગરના ધનવંતરી ઓડિટોરિયમમાં ગુરૂવારે કલેકટર રવિશંકરના અધ્યક્ષસ્થાને કોવિડ વેક્સિન અંગે યોજાયેલા પરિસંવાદમાં જેઓએ રસી લીધી છે તેવા જી.જી.હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો અને સરકારી અધિકારીઓએ કોરોના પ્રતિરોધક રસી સલામત છે તેમ જણાવી કોરોના વેક્સિનના બે ડોઝ લીધા પછી બીજા અઠવાડિયાથી શરીરમાં એન્ટીબોડી બને છે અને રસી 1 વર્ષ સુધી અસરકાર હોય ફ્રન્ટલાઇન વર્કરોના રસી અંગેના મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરી રસી લેવા અનુરોધ કર્યો હતો. પરિસંવાદમાં લોકોને મૂંઝવતા સામાન્ય પ્રશ્નો જેવા કે રસી કેટલા લાંબા સમય સુધી રક્ષણ આપે છે,
રસીની અસરકારકતા અને પ્રમાણિકતા કઈ રીતે નક્કી કરવામાં આવે છે, ક્યાં વ્યક્તિઓ રસીકરણને પાત્ર છે, આ માટે નોંધણી કરાવવાની પ્રક્રિયા શું છે તે સહિતના વિવિધ પ્રશ્નોનું તબીબોએ નિરાકરણ કરી રસીની આડઅસર, કો-મોર્બીડ લોકોની રસી લેવા અંગેની દુવિધાઓ અને રસી વિષે લોકોમાં ફેલાયેલી ગેરમાન્યતાઓ ડોક્ટરો દ્વારા દૂર કરવામાં આવી હતી.
આ પરિસંવાદમાં કલેકટર દ્વારા લોકોને મૂંઝવતા પ્રશ્નોનું એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઈ, કોરોના વેક્સિનેશન માટેના નોડલ ડો. ભદ્રેશ વ્યાસ, ડબલ્યુ.એચ.ઓ.ના પ્રતિનિધિ ડો. વિનયકુમાર, કોરોનાના નોડલ ડો. એસ.એસ. ચેટરજી દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું હતું.
સવાલ: કોરોના રસી કેટલી સલામત છે?
જવાબ: રસી સંપૂર્ણ સલામત છે. કોરોના અટકાવવાનો ઉપાય વેક્સિન છે.
સવાલ: હાલમાં કોરોના થયો હોય તેને રસી લેવી જરૂરી છે?
જવાબ: હાલમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રસીની જરૂર નથી. બે-ત્રણ મહિના પછી એન્ટીબોડી જતા રહેતા હોય ત્યારબાદ રસી લેવી જરૂરી છે.
સવાલ:જુદા-જુદા પ્રકારની રસી છે, કંઇ સારી છે તેની પસંદગી કેવી રીતે કરવી?
જવાબ: સીએચએસઓ સંસ્થા, વર્લ્ડ હેલ્થ આરોગ્ય સંસ્થાના 100થી વધુ વૈજ્ઞાનિકોની તપાસ બાદ જ રસી અપાય છે, આથી દરેક રસી સુરક્ષિત છે.
સવાલ: હું રસીને પાત્ર છું કે કેમ તે કેવી રીતે જાણી શકું?
જવાબ: ગર્ભવતી સ્ત્રી, ધાત્રી માતાઓ, 18 વર્ષથી નીચેના બાળકો અને ગર્ભાધાનનું આયોજન કરતા કપલ સિવાયના દરેક લોકો રસી લઈ શકે.
સવાલ: રસી લેવા માટે નોંધણી કરાવવી હોય તો કેવી રીતે થઇ શકે?
જવાબ: રસીકરણ માટે કોવીન સોફટવેરમાં નોંધણી કરાવ્યા બાદ રસી મૂકવાના આગલા દિવસે જ મેસેજ કરવામાં આવે છે અને તારીખ અને સમય અનુસાર લાભાર્થીએ રસી માટે આધારકાર્ડ સિવાયના કોઈ એક ફોટો આઇડી જેમ કે ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે જણાવેલા સ્થળ પર વેક્સિન લેવા જવાનું હોય છે. જામનગરમાં દરેક અર્બન હેલ્થ સેન્ટર, એમ.પી. શાહ મેડીકલ કોલેજ, મહાનગરપાલિકાના ફાયર ટર્મીનલ ખાતે વેક્સિનેશનની કામગીરી ચાલુ છે.
સવાલ: વેક્સિન લીધા પછી કોઇ આડઅસર થાય છે?
જવાબ: એની કોઈ આડઅસર નથી, પરંતુ કોઈપણ પ્રકારની વેક્સિનની અસર થતા જે સામાન્ય બાબતો જેમ કે સામાન્ય તાવ આવવો, થોડો સોજો આવવો કે ઠંડી લાગવી જેવી અસર થઈ શકે છે. જે ખુબ સામાન્ય બાબત છે. વેક્સિન નવા સ્ટ્રેઇન પર પણ એટલી જ અસરકારક છે.
સવાલ: કેન્સર, ડાયાબીટીસ, હાયપર ટેન્શન, હ્દયની તકલીફવાળા રસી લઇ શકે?
જવાબ: વેક્સિન અતિ ગંભીર એલર્જી ધરાવતા લોકોને અપાતી નથી. કેન્સર, ડાયાબિટીસ, હાયપર ટેન્શન, હ્દયની તકલીફ ધરાવતા લોકોને કોરોનાની અસર વધુ થતી હોય આ લોકોએ રસી લેવી જોઇએ.
સવાલ: રસી લેવાથી નપુસંકતા આવે છે?
જવાબ: રસી લેવાથી ફર્ટીલીટીનો પ્રશ્ન થતો નથી, નપુસંકતા આવતી નથી.
‘વેક્સિન લીધા પછી રોગપ્રતિકારક શકિત સાથે આત્મવિશ્વાસ વધ્યો’
કોરોના વેક્સિન લેનાર રિટાયર એર કોમોડોર એસ.એસ. ત્યાગી અને અધિક નિવાસી કલેકટરે જણાવ્યું હતું કે, વેકસીન લીધા પછી કોઇ આડઅસર જોવા મળી નથી, જીવન સામાન્ય જ રહ્યું છે. વેક્સિન બાદ રોગ સામે લડવાની તાકાત સાથે આત્મવિશ્વાસ પણ વધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.