ચોરી:ચાંદી બજારમાં આંગડિયા પેઢીમાં રૂા. 5 લાખની ચોરી

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ મથક નજીકની પેઢીમાં ચોરીથી પોલીસની આબરૂના ધજાગરા

જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ નજીકની નુરાની બિલ્ડીંગમાં આવેલી પટેલ ઈશ્વરલાલ બેચરદાસની આંગડિયા પેઢીમાં રવિવારે રાત્રે ચોરી થઈ છે. તસ્કરો 5 લાખ રૂપિયાની રોકડ ચોરી જતાં પોલીસમાં ભારે દોડધામ મચી જવા પામી છે. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. તેમજ ડોગ સ્કવોડની મદદ પણ લેવામાં આવી હતી.

સતત ધમધમતા એવા ચાંદી બજાર પોસ્ટ ઓફિસ સામે આવેલા પટેલ ઈશ્વરદાસ બેચરદાસ નામની આંગડિયા પેઢીમાંથી રૂા.5 લાખની રોકડ જે તિજોરીમાં રાખવામાં આવી હતી તેનો લોક તોડી લઈ ગયા હતા. આ પૈસા હિસાબના હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવ અંગે પેઢીના કર્મચારી હરીસીંગ આણંદજી વાઘેલાએ સિટી-એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને સમગ્ર વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવામાં લાગી ગઈ હતી.

ચોરી અંગે ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવી હતી. આ ચોરીના બનાવમાં એલસીબી પણ જોડાયું છે. પોલીસ સ્ટેશનથી માત્ર ર00 મીટર જેટલા દૂર આંગડિયા પેઢીમાં ચોરી થતા પોલીસની આબરૂના પણ ધજાગરા ઉડ્યા છે. જે બાદ પોલીસ હવે ચોરને પકડવામાં એડીચોટીનું જોર લગાવી રહી છે. બનાવ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...