યુદ્ધના ધોરણે કામે લાગ્યું તંત્ર:...અને મુખ્યમંત્રીના આગમન પછી તંત્રને પણ ‘ગરમી’ ચઢી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીવન જરૂરી પાયાની સુવિધાઓ યુદ્ધના ધોરણે પુન: સ્થાપિત કરવા સરકારી મશીનરી યુદ્ધના ધોરણે કામે લાગી

વીજળી : 84માંથી 60 ગામોમાં વીજપુરવઠો પૂન: શરૂ
જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિજ પોલ, ફિડર તથા ટ્રાન્સમીટરને નુકસાન થયું છે. જેના કારણે જિલ્લાના 84 જેટલા ગામોમાં વિજ પુરવઠાને અસર થઈ છે. આ તમામ ગામોમાં વિજ પુરવઠો પુર્વવત થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરની મુલાકાત વેળાએ વીજ તંત્રના મેનેજિંગ ડાયરેક્ટર ડો. ડી. બી. વ્યાસ, મુખ્ય ઈજનેર જે.જે.ગાંધી અને અન્ય અધિકારીઓએ સાથે બેઠક કરી વીજ પુરવઠો ચાલુ થાય તે માટે જણાવ્યું હતું. અધીક્ષક ઈજનેર સી.કે.પટેલે જણાવ્યું હતુ કે, 84 ગામોમાંથી 60 ગામોમાં અત્યાર સુધીમાં વીજ પુરવઠો ફરી શરૂ થઇ ગયો છે. 46 કોન્ટ્રાકટરોની ટીમો કામે લગાવી અને 488 જેટલા વીજ પોલ ઊભા કરી દેવાયા છે.

પાણી:4 દિ’માં કામ પુર્ણ કરી 45 ગામોને પાણી વિતરણ ફરી શરૂ કરી દેવાશે
જામનગર જિલ્લામાં વરસાદી તારાજીના પગલે મુખ્યમંત્રીએ લીધેલી ઉડતી મુલાકાત પછી સ્થાનિક વહીવટીતંત્ર અને ગરમી ચડી ગઈ છે અને યુદ્ધના ધોરણે તમામ કામગીરી આરંભી દેવામાં આવી છે. જામનગર જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓની પાઈપ લાઈન તથા પમ્પીંગ મશીનરીઓને નુકસાન થયેલ છે જેના કારણે જામનગર તાલુકાનાં 3, લાલપુર તાલુકાનાં 5, ધ્રોલ તાલુકાનાં 15, જોડીયા તાલુકાનાં 7 અને કાલાવડ તાલુકાનાં 15 ગામોને જુથ યોજના મારફત મળતો પાણી પુરવઠો ખોરવાયેલ છે.

જે ગામો હાલ સ્થાનીક સોર્સમાંથી પાણી મેળવે છે આ નુકસાન થયેલ ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓની પાઈપ લાઈન તથા પમ્પીંગ મશીનરીની રીપેરીંગની કામગીરી તાકીદનાં ધોરણે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આગામી ચાર દિવસમાં આ કામગીરી પુર્ણ કરી ઉપરોક્ત 45 ગામોને જુથ યોજના મારફત પાણી પુરવઠો ફરીથી મળતો થઈ જશે તેમ જામનગર જિલ્લા પાણી પુરવઠા બોર્ડનાં કાર્યપાલક ઇજનેરે જણાવ્યું છે.

રસ્તા: જાંબુડા પાટીયા-અલીયાબાડા- વીજરખી રોડ 12 કલાકમાં તૈયાર

જાંબુડા પાટીયા-અલીયાબાડા-વિજરખી રોડ કે જે બે સ્ટેટ હાઇવે રાજકોટ-જામનગર અને કાલાવડને જોડતો રોડ છે. તેમાં અલિયાબાડા ગામ પાસેના રૂપારેલ બ્રિજ પરથી પાણીના ભારે વહેણના કારણે બ્રીજ અને રસ્તાનું ધોવાણ થઇ ગયું હતું. જેથી અલિયા અને બાડા ગામ બંને વિખૂટા પડી ગયેલ હતા, સાથે જ પંચાયતના ગ્રામ વિસ્તારના રોડ પર પણ પાણી ફરી વળતા રસ્તો બંધ થયેલ હતો. માત્ર 12 કલાકમાં જ રીપેરીંગ થકી માટીકામ કરી પુન: ચાલુ કરી દેવાયો છે.

યાતાયાત : 13 કલાક બાદ અલિયાબાડા પાસેનો રેલવે ટ્રેન વ્યવહાર પૂર્વવત

​​​​​​​

જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે અલીયાબાડા થી જામ-વણથલી રેલવે ટ્રેક વચ્ચે મોટાપાયે ધોવાણ થયું હતું. રેલવે તંત્ર દ્વારા મરામત હાથ ધરવામાં આવી હતી. મંગળવારે સવારે 8 વાગ્યાથી જેસીબી મશીન લગાવીને અનેક શ્રમિકોને કામે લગાડવામાં આવ્યા હતા અને રાત્રીના 9 વાગ્યા સુધીમાં રેલવે ટ્રેકની મરામતની કામગીરી સંપન્ન કરી લેવામાં આવી હતી, અને ટ્રેક પરથી ટ્રાયલ પણ કરી લેવાઈ હતી. ત્યારબાદ આજથી જામનગર અને હાપા થી ઉપડતી તમામ ટ્રેનોનો વ્યવહાર રાબેતા મુજબ શરૂ થઈ ગયો છે. 13 કલાકની જહેમત બાદ રેલવે વ્યવહાર પૂર્વવત બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...