જામનગરની આત્મનિર્ભર મહિલા:આણંદપરના જીજ્ઞાબેને સ્ટ્રોબેરી અને કમલમની ખેતી કરી, જામ, જેલી અને ડ્રેગન ચિપ્સનું રિટેલ માર્કેટમાં વેચાણ

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

દર વર્ષે સમગ્ર વિશ્વમાં 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ છે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવી. આપણી સંસ્કૃતિમાં નારી મહિમા અનન્ય રીતે કરવામાં આવ્યો છે. “यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता :” અર્થાત નારીનું જ્યાં ગૌરવ જળવાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. સદીઓથી ભારતીય સંસ્કૃતિ અને સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાઓનો ફાળો અતિ મહત્વનો રહ્યો છે. ગુજરાત રાજ્યમાં મહિલાઓ સન્માનભેર, સ્વાવલંબી, પગભર અને ગૌરવપૂર્ણ જીવનની અધિકારી બને તે દિશામાં કામગીરી થઈ રહી છે. ત્યારે વાત કરીશું સરકારના સહકાર થકી પગભર બનેલી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામની મહિલાઓની. જેઓએ સખી મંડળની રચના કરી મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી આજુબાજુના ગામડાઓની મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવી છે.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામે સ્વ સહાય જુથની રચના કરીને મહિલાઓ આર્થિક રીતે પગભર બની છે. આણંદપર ગામે રહેતા જીજ્ઞાબેન જેસડિયાએ વર્ષ 2020માં 10 મહિલાઓ સાથે મળીને “શ્રી આઈ ખોડલ સખી મંડળ”ની રચના કરી છે. બાદમાં તેઓએ બાગાયત વિભાગ દ્વારા આપવામાં આવતી તાલીમ મેળવી. અને સરકારના નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન (એનઆરએલએમ) યોજનાનો લાભ મેળવ્યો. જેના થકી બેંક મારફતે રૂ.1 લાખની લોન મેળવીને મહિલાઓએ પ્રાકૃતિક ખેતી અપનાવી. સખી મંડળની મહિલાઓએ સ્ટ્રૉબેરી અને કમલમ (ડ્રેગન ફ્રૂટ) ફળની તેમજ શાકભાજીની ખેતી અપનાવી. પરંતુ આણંદપર ગામમાં કોઈ નર્સરી ન હોવાથી મહિલાઓએ નર્સરીની શરૂઆત કરી છે. જેમાં તેઓ નાળિયેરી, સ્ટ્રોબેરી, ગુલાબ, સફરજન, આંબો જેવા ફળ ફૂલોના રોપાઓ બનાવી તેનું વેચાણ કરે છે. અને સ્ટ્રોબેરી માંથી જામ અને જેલી તથા કમલમ ફળમાંથી સુગર ફ્રી અને ડ્રાય ચિપ્સ બનાવે છે. જેના થકી આજુબાજુના અન્ય ગામડાઓની મહિલાઓને પણ રોજગારી મળી રહે છે. અને રિટેલ માર્કેટમાં મહિલાઓએ બનાવેલી ઓર્ગેનિક પ્રોડક્ટના સારા ભાવ મળવાથી તેઓ વર્ષના રૂ.3 લાખ જેટલી આવક મેળવી આત્મનિર્ભર બન્યા છે.

આણંદપર ગામના જીજ્ઞાબેન જેસડિયા જણાવે છે કે અમે 10 બહેનો મળીને સખી મંડળ ચલાવી છીએ. બધા બહેનો મળીને નર્સરી ચલાવે છે તેમજ પ્રાકૃતિક ખેતી કરે છે. સ્ટ્રૉબેરીની ખેતી કરી સ્ટ્રોબેરી માંથી જામ અને જેલી બનાવીને રિટેલ માર્કેટમાં જ વેચાણ કરી છીએ. સખી મંડળ શરૂ કર્યા બાદ અમને થયું કે આજુબાજુમાં નર્સરી નથી તો નર્સરી બનાવવાનો વિચાર આવ્યો. અને સ્વ સહાય જુથ બનાવ્યા બાદ અમને રૂ.1 લાખની લોન આપવામાં આવી છે. સખી મંડળ ચલાવતા તે પહેલા અમારી વાર્ષિક આવક રૂ.30 હજાર હતી. અત્યારે રૂ.3 લાખ છે. મહિલા દિવસ નિમિતે હું મહિલાઓને કહેવા માંગુ છું કે દરેક મહિલાઓએ પગભર થવું જોઈએ. સખી મંડળમાં આવ્યા બાદ અને સરકારની સહાય બાદ અમે આગળ આવ્યા છીએ અને પોતાના પગભર થયા છીએ. સરકાર મહિલાઓને આગળ લાવવા માટે જે સહાય આપે છે તે બદલ હું સરકારની ખૂબ આભારી છું.

આણંદપર ગામના નિતાબેન જણાવે છે કે, હું 2020માં સખીમંડળમાં જોડાઈ છું. મારે રોજગારીની જરૂર હોવાથી અમે સખીમંડળ શરૂ કર્યું અને ડ્રેગન અને સ્ટ્રોબેરીની ખેતી સાથે અમે રોપાઓનો પણ ઉછેર કરીને નર્સરી બનાવી છે. ડ્રેગન માંથી અમે સુગર ફ્રી અને ડ્રાય બે પ્રકારની ચિપ્સ બનાવીને વેચાણ કરીએ છીએ. અમારે જ્યારે રોજગારીની જરૂર હતી ત્યારે સરકારે અમને લોન આપી હતી. તેનાથી અમે નર્સરી બનાવી છે અને સ્ટ્રોબેરી, વિવિધ રોપાઓ, શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરીએ છીએ તેનાથી આજુબાજુના ગામડાઓની મહિલાઓને પણ રોજગારી મળી રહે છે તેઓને રોજગારી માટે ક્યાંય બહાર જવું પડતું નથી. મહિલાઓને સંદેશો આપતા નિતાબેન જણાવે છે કે દરેક મહિલાઓએ આત્મનિર્ભર બનવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...