જામનગર નજીક લાખાણી ગામ પાસેથી મોટરસાયકલ પર જઈ રહેલા વૃદ્ધને ભુંડ આડું આવતા નડેલા અકસ્માતમાં ગંભીર ઈજા થવાથી તેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જ્યારે રાંદલનગરમાં બીમારી સબબ બેભાન થઈ જતાં વૃદ્ધનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
જામનગર નજીક નાની લાખાણી ગામથી ચાવડા ગામ તરફ મોટરસાયકલ નં.જીજે-10-એઆર 1450 લઈને જઈ રહેલા કિશોરસિંહ પ્રભાતસિંહ જાડેજા (ઉ.વ.66) નામના વૃદ્ધને રોડ પર અચાનક જંગલી ભુંડ આડુ ઉતરતા મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું.
જેમાં તેમને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર કારગત નિવડે તે પહેલા જ તેમનું મૃત્યુ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં રાંદલનગરમાં રહેતા માણેકચંદભાઈ રામભાઈ મહેતા (ઉ.વ.75) નામના વૃદ્ધ પોતાના ઘરે બીમારી સબબ બેભાન થઈ જતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.