ભંગાર પર હથોડો માર્યો અને બ્લાસ્ટ થયો:જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસે બનેલી ઘટનામાં વૃદ્ધનું મોત, વૃદ્ધાની હાલત ગંભીર

જામનગરએક મહિનો પહેલા

જામનગર શહેરના ગોકુલનગર જકાતનાકા પાસે આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં આજે વિચિત્ર અકસ્માતની ઘટના બની હતી. ભંગાર તોડતી સમયે જોરદાર બ્લાસ્ટ થતા વૃદ્ધ દંપતી ગંભીર રીતે ઘવાયું હતું. જેમાં પતિનું મોત નિપજ્યું છે. જ્યારે પત્નીને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા વિજયનગર પાસે એક વૃદ્ધ દંપતી દુકાન ભાડે રાખી ભંગાર તોડવાનું કામ કરતું હતું. દરરોજની માફક આજે પણ લખમણભાઈ અને તેમના પત્ની પોતાની દુકાન પર ભંગાર તોડી રહ્યા હતા. ત્યારે અચાનક ભંગારમાં કોઈ વિસ્ફોટક પદાર્થ આવી ગયો હોય તેના પર હથોડાનો ઘા લાગતા જ જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે લખમણભાઈનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પત્ની પણ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

બ્લાસ્ટના કારણે આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠ્યો
વિજયનગર વિસ્તારમાં થયેલો આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ઘટનાસ્થળ પરથી દૂર ઉભેલી રિક્ષાના કાચ પણ તૂટી ગયા હતા. આસપાસના વિસ્તારમાં જોરદાર ધડાકો સંભળાતા લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા.

બ્લાસ્ટનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી
ભંગાર તોડતી સમયે બ્લાસ્ટની ઘટના સામે આવ્યા બાદ જામનગર પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે અને કઈ વસ્તુમાં બ્લાસ્ટ થયો તેને લઈ જીણવટ ભરી તપાસ હાથ ધરી છે. ભંગારમાં કોઈ વિસ્ફોટક પદાર્થ આવી ગયો હોય અને અજાણતા તેના પર હથોડાનો ઘા લાગતા બ્લાસ્ટ થયાનું અનુમાન છે. જો કે, સાચુ કારણ તો પોલીસ તપાસ બાદ જ માલૂમ પડશે.

અન્ય સમાચારો પણ છે...