ધ્રોલમાં ગાયત્રી ચોક વિસ્તારમાં રહેતા 60 વર્ષના વૃદ્ધે પોતાના પર પેટ્રોલ રેડી અગ્નિસ્નાન દ્વારા આપઘાત કરી લીધો છે. પોતાની પુત્રવધુ કે જેણે અન્ય સાથે નિકાહ પઢી લીધા પછી ઘેર આવીને સસરા સાથે અપમાનજનક વર્તન કરતાં માઠું લાગવાથી સસરા એ આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવવાની વિગતે એવી છે કે, ધ્રોલમાં ગાયત્રીનગર નજીક હુશેની ચોક વિસ્તારમાં રહેતા જુમ્માભાઈ ફકીર મામદ રાઠોડ નામના 60 વર્ષના વૃદ્ધ કે જેઓએ પોતાના શરીર પર પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી દેતાં તેઓને તાત્કાલિક અસરથી સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર પછી તેઓનું મૃત્યુ નિપજયું હતું.આ બનાવ અંગે મૃતકના પુત્ર સબીર જુમાભાઇ રાઠોડે પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકની પુત્રવધુ ગુલશનબેન કે જેણે તેના ફઈના દીકરા અયુબ સાથે ભાગીને બીજા નિકાહ કરી લીધા હતા અને સોમવારે અયુબ સાથે જુમાભાઇના ઘેર આવી હતી, અને સસરા જુમાભાઇને અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા.જેથી પોતાનું અપમાન થયું હોવા ના કારણે મનમાં લાગી આવતાં આપઘાતનું પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે. સમગ્ર મામલે ધ્રોલ પોલીસ વધુ તપાસ ચલાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.