સરાહનીય કામગીરી:જામનગર શહેરના વિકાસગૃહમાંથી ભાગી નીકળેલી 18 વર્ષીય યુવતી દ્વારકા રેલવે સ્ટેશનથી મળી આવી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખંભાળિયાની 181 અભયમ ટીમની કામગીરી બાદ યુવતીને વિકાસગૃહમાં ફરી મોકલાઇ

જામનગર શહેરના વિકાસગૃહમાંથી એક યુવતી કોઈને જાણ કર્યા વિના ભાગી છૂટી હતી અને આ યુવતિ દ્વારકા પહોંચી જતાં દ્વારકા રેલવે પોલીસે તેણીનો કબ્જો સંભાળી 181 અભયમ ટીમને જાણ કરતાં તેણીને સમજાવટ બાદ ફરીથી જામનગરના વિકાસ ગૃહમાં મોકલી અપાઇ હતી. કર્ણાટકની માતા-પિતા વીહોણી યુવતીને ફઈ-ફુવા ખંભાળિયા લઈ આવ્યા બાદ ઘર કામ કરાવતા હતાં અને તેણીને વેચી નાખવાનું કાવતરું ઘડાઈ રહ્યું હોવાની યુવતીની ફરિયાદના આધારે પોલીસે તેણીને વિકાસ ગૃહમાં મોકલી આપી હતી.

પરંતુ ત્યાંથી તે ભાગી છૂટી હતી. પરંતુ ફરીથી તેને વિકાસ ગૃહમાં સમજાવટ કર્યા બાદ મોકલી દેવામાં આવી છે.બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મૂળ કર્ણાટકની વતની 18 વર્ષની યુવતી કે જેના માતા-પિતા બે મહિના પહેલા અવસાન પામ્યા હતાં અને માતા પિતા વિહોણી બની ગઈ હતી અને માત્ર આેછો અભ્યાસ કર્યો હોવાથી વાંચતા લખતા બરોબર ન આવડતું હતું. જેમાં તેના ફઈ અને ફુવા ખંભાળિયામાં બેઠક રોડ પર રહેતા હોવાથી યુવતીના કાકા જેઓ ખંભાળિયા આવીને મૂકી ગયા હતા અને છેલ્લા દોઢેક માસથી યુવતીને ઘર કામ કરાવતા હતાં.

દરમિયાન એક રાત્રિના યુવતીને વેચી નાખવી છે તેવી વાતચીત કરતા હોવાનું યુવતી સાંભળી જતા તે ત્યાંથી ભાગી ગઈ હતી અને ખંભાળિયા પોલીસનો સંપર્ક સાધતાં ખંભાળીયા પોલીસની સી.ડબલ્યુ.સી. ની ટીમ મારફતે યુવતીને જામનગરના વિકાસ ગૃહમાં મુકી દેવામાં આવી હતી. પરંતુ વિકાસગૃહમાંથી વહેલી સવારે સાતેક વાગ્યાના અરસામાં કોઈને જાણ કર્યા વિના ભાગી છૂટી જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પહોંચી જઈ ટ્રેન મારફતે દ્વારકા પહોંચી ગઈ હતી.

જેમાં દ્વારકા રેલવે પોલીસની તેની પર નજર પડતાં યુવતીની પૂછપરછ કરતા વિકાસગૃહમાંથી નીકળીને દ્વારકા આવી હોવાનું જણાવતાં દ્વારકા રેલવે પોલીસે તુરત જ ખંભાળિયાની 181 અભયમ ટીમનો સંપર્ક કરતા 181 ટીમના કાઉન્સેલર પૂર્વીબેન પોપટ અને ટીમ પહોચી તેનું કાઉન્સેલિંગ કરી પરત શહેરના વિકાસગૃહમાં મોકલી આપવામાં આવી હતી. આમ 181 ટીમની કામગીરીને ખંભાળિયા સહિત રેલ્વે વિભાગ દ્વારા બિરદાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...