તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:જી.જી.માં દૈનિક 15 મા અમૃતમ્ કાર્ડ નિકળે છે, કાર્ડના વાંકે સેંકડો દર્દીના ઓપરેશન અટક્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં હજારો લોકો સારવાર અને ઓપરેશનની રાહમાં બેઠા છે, પણ કાર્ડ મળતા નથી

ગંભીર તેમજ મોંઘી સારવાર માટે ગરીબ કુટુંબ માટે આશીર્વાદ બનેલા મા અમૃતમ્ કાર્ડ હવે જામનગર જિલ્લાના લોકો માટે ઝેર સમાન બની ગયું છે. આ કાર્ડ કઢાવવા માટે છેલ્લા દોઢ મહિનાથી લોકોના પગે પાણી આવી જાય છે. જામનગર જિલ્લામાં એક માત્ર જી.જી. હોસ્પિટલમાં મા અમૃતમ્ કાર્ડ નીકળે છે જ્યાં પણ લોકો મજબૂરીના લીધે રાતથી લાઈનમાં લાગી જાય છે.

જામનગર શહેર અને જિલ્લામાં મા અમૃતમ્ કાર્ડની જરૂરિયાત અનેક લોકોને દરરોજ પડતી હોય છે. આ કાર્ડમાં ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં સારવાર મફત મળે છે. પરંતુ છેલ્લા દોઢ મહિનાથી મા અમૃતમ્ કાર્ડની કામગીરી સોફ્ટવેર અપડેટ કરવાનો હોવાનું જણાવીને તંત્ર દ્વારા તેની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. એક માત્ર જી.જી. હોસ્પિટલમાં કામગીરી ચાલુ છે જ્યાં ફકત દિવસમાં 15 જ મા અમૃતમ્ કાર્ડ નિકળે છે જેના કારણે દર્દીઓની દિવસો સુધી લાંબી કતારો થાય છે, દર્દીઓ રાત્રીથી ત્યાં લાઇનમાં લાગી જાય છે, અમુક દર્દીઓના તો 10 દિવસ સુધી પણ વારા આવતા નથી.

કાઉન્ટર ચાલુ કરવા મહાનગર પાલિકાને પણ વિનંતી કરી છે
દોઢ માસથી સોફ્ટવેર અપડેટ કરવાનું હોવાથી મા અમૃતમ્ કાર્ડની કામગીરી હાલ બંધ છે, એકવાર સોફ્ટવેર અપડેટ થઈ ગયા બાદ બધા સીએચસી અને પીએચસીમાં તેમજ તાલુકા લેવલે મા અમૃતમ્ કાર્ડ નીકળશે. અત્યારે ઈમરજન્સી માટે જી.જી. હોસ્પિટલમાં એક કાઉન્ટર ચાલુ છે, અમે લોકોએ મહાનગરપાલિકાને પણ કાઉન્ટર ચાલુ કરવા માટે પણ વિનંતી કરી છે. > ગિરીશ પાલેણા, ડીપીઓ, જિલ્લા પંચાયત, જામનગર.

કાર્ડ વગર મારૂં ઓપરેશન થતું નથી

5 દિવસથી મા અમૃતમ્ કાર્ડ માટે હું ધક્કા ખાવું છું, પરંતુ હજુ સુધી મારું કાર્ડ નીકળ્યું નથી કાર્ડ વિના સારવાર શક્ય નથી.> નિલેશભાઈ જેઠવા.

દિવસ-રાત હેરાન થઈએ છીએ

પેશાબની તકલીફ છે જેની સારવાર કરાવવા માટે કાર્ડ જોઇએ છે. 4 દિવસથી હેરાન થવા છતાં મળતું નથી. > ગોવિંદભાઈ ભવાન, જોડિયા.

મારે ઓપરેશન રાજકોટ કરાવવું છે

6 દિવસથી પરિવાર સાથે રોજ ધક્કા ખાઉં છું, મારે રાજકોટ ઓપરેશન કરાવવાનું છે કાર્ડ કાઢવામાં અમારા પગે પાણી આવી ગયા છે.> હસુભાઇ, જામનગર.

હવે તો કંટાળીને થાકી ગઈ છું

ધરારનગર વિસ્તારમાં હું રહું છું. અઠવાડિયાથી ધક્કા ખાઉં છું, પરંતુ મારો વારો ન આવતા કંટાળી છું. > હવાબેન, ધરારનગર, જામનગર.

અન્ય સમાચારો પણ છે...