અકસ્માત:જામનગરના સ્વામીનારાયણ મંદિર પાસે એમ્બ્યુલન્સ ડીવાઈડર પર ચડી ગઈ, ARTO ઈજાગ્રસ્તેનો હોસ્પિટલ લઈ ગયા

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ARTOએ કરેલી સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી

જામનગર શહેરમાં સ્વામિનારાયણ મંદિરની સામે આજે સવારે પસાર થતી એક એમ્બ્યુલન્સે આગળ જતી ડ્રાઈવિંગ સ્કૂલની કારને ઠોકર મારી ડિવાઈડર પર ચડી જતા અકસ્માત થયો હતો. આ સમયે જ એઆરટીઓ ત્યાંથી પસાર થતા તેમણે માનવતા દાખવી ઈજાગ્રસ્તોને પોતાની કારમાં સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતાં.

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર-ખંભાળિયા માર્ગ પર આજે સવારે પસાર થતી જીજે-37-ટી-4117 નંબરની એમ્બ્યુલન્સ પૂરઝડપે આવતી હતી ત્યારે ચાલકે આગળ જતી પીઠડિયા ડ્રાઈવિંગ સ્કૂલની જીજે-10-બીઆર-9493 નંબરની કારને ઠોકર મારી અને એમ્બ્યુલન્સ ડીવાઈડર ઉપર ચડાવી દેતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.

અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. તેજ સમયે જામનગર એઆરટીઓ જે.જે. ચૌધરી તેમની કારમાં પસાર થતાં હતાં ત્યારે તેમને અકસ્માત થયાનું જણાતા તેઓ કાર રોકાવી ઉતરી અને અકસ્માત સ્થળે ગયા હતાં જ્યાં બે ઈજાગ્રસ્તોને તેમની પોતાની કારમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. એઆરટીઓએ માનવતા દાખવી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા લોકો દ્વારા સરાહનીય કામગીરી બિરદાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...