• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Allegation Of Massive Corruption In The Operation Of Door To Door Garbage Collection In Solid Waste Branch Of Jamnagar Municipal Corporation, Nagar Sevika Submitted

ભ્રષ્ટાચારનો આક્ષેપ:જામનગર મનપાની સોલીડ વેસ્ટ શાખામાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ, નગરસેવિકાએ રજૂઆત કરી

જામનગર2 મહિનો પહેલા

જામનગર મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ શાખામાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે અલગ-અલગ એજન્સી શ્રી પાવર લાઈન સેલ્સ અને શ્રી ઓમ સ્વચ્છતા કોર્પોરેશન દ્વારા જામનગર શહેર વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. જે પાર્ટી દ્વારા વાહનથી કામગીરી કરવાની થાય છે તેમાં ડ્રાઈવર અને બે લેબર રાખવાના હોય છે જોકે, અમુક જગ્યા ઉપર ગાડીમાં એક ડ્રાઈવર અને એક લેબર જ રાખે છે તેમજ અમુકમાં તો ડ્રાઈવરથી જ કામ ચલાવવામાં આવે છે. તેમાં ભ્રષ્ટાચાર કરાતો હોવાના આક્ષેપ વિપક્ષના કોર્પોરેટર સમજુબેન દીપુભાઈ પારિયા દ્વારા કરવામાં આવ્યાં છે.

અધિકારી કે એજન્સી સંડોવાયેલી હોય તેને બ્લેક લીસ્ટ કરવાની માગ
વિપક્ષના કોર્પોરેટરે આક્ષેપ સાથે રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, આ બાબતે સોલિડ વેસ્ટના અધિકારીને જાણ કરી હતી જોકે, અધિકારી છેલ્લા ત્રણ વર્ષથી આમ જ ચાલે છે અને આ રીતે જ ચાલશે તેવો જવાબ આપ્યો હતો. ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા જણાવ્યું કે, અંદાજે કુલ 177 ગાડી છે જેમાં 177 કર્મચારીનો વધારાનો ખર્ચ દર મહીને રૂ. 17.70 લાખ થાય છે જેથી એક વર્ષનો ખર્ચ રૂ. 2.12 કરોડ થાય છે જે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. આ બાબતે જે તે અધિકારી કે એજન્સી સંડોવાયેલી હોય તેને બ્લેક લીસ્ટ કરી યોગ્ય તપાસ કરવાની માગ સાથે કમિશ્નર અને મેયર તેમજ ચેરમેનને રજૂઆત કરી છે.

નગરસેવિકા દ્વારા વીડિયો સહિતના પ્રુફ આપવામાં આવ્યાં
આ બાબતે નગરસેવિકાએ વીડિયો સહિતના પ્રુફ આપ્યાં હતા. વીડિયોમાં એક જ ડ્રાઈવર અથવા એક ડ્રાઈવર અને એક જ લેબર જોવા મળ્યાં હતા. તેમનો પ્રૂફ રેકોર્ડ પણ છે. આ ઉપરોક્ત બાબતે ગાડીની અંદર મોરમ, માટી, પાણા, નાખી અને કચરાનો વજન વધારે કરી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. તેમની પણ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માગ નગરસેવિકા સમજુબેન દીપુભાઈ પારિયા દ્વારા કમિશ્નરને કરવામાં આવી છે.

એક ગાડી સાથે ડ્રાઇવર અને મજૂર કેટલા હોય તેની માહિતી મંગાઈ
જામનગર મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ શાખામાં વારંવાર ફરિયાદ ઉઠી રહી છે. મહાનગરપાલિકાનો સ્વચ્છતામાં 23 મો નંબર હતો જે હાલ 54 નંબર પર ચાલી ગયો છે. નગરસેવિકા દ્વારા મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ શાખામાં સમગ્ર માહિતી માગવામાં આવી હતી. જેમાં જે ગાડીઓ જામનગર મહાનગરપાલિકાની હદમાં ચાલી રહી છે તેમાં એક ગાડી સાથે ડ્રાઇવર અને મજૂર કેટલા હોય છે અને કેટલા હોવા જોઈએ તેની માહિતી માગવામાં આવી હતી.

કુલ કેટલી ગાડીઓ ચોરીમાં પકડાઈ તેની પણ માહિતી માંગવામાં આવી
ત્યારે મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, કચરાની એક ગાડી સાથે એક ડ્રાઇવર અને બે લેબર રાખવાના હોય છે. બીજો એ પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, અત્યાર સુધીમાં કુલ કેટલી ગાડીઓ પથ્થર, માટી, મોરમ ભરેલી ચોરીમાં પકડાયેલી છે. તેમની તમામની આરસી બુક, વીમો અને ડ્રાઇવર લાયસન્સની ખરી નકલ આપવાની માગ કરાઈ હતી.

ત્યારે મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખાએ જવાબ આપ્યો હતો કે, આજદિન સુધી મેટલ મોરમ ભરતા હોવા સંબંધે પકડાયેલા વાહનોની વિગતવાર યાદી/ પેનલ્ટીની માહિતી આ સાથે એનેક્ષર "બી " થી સામેલ છે. વધુમાં જણાવવાનું કે, આ કામગીરી આઉટ સોર્સિંગથી કરવામાં આવતી હોય જેમાં આરસીબુક, વીમો કે, ડ્રાઇવરના લાયસન્સનું રેકોર્ડ અહિં નિભાવવામાં આવતું નથી. તેવી પણ ચોકાવનાર માહિતી આપવામાં આવી હતી.
ગેરરીતીમાં પકડાયેલા વાહનને બે માસ માટે બ્લેક લીસ્ટ કરવાની જોગવાઈ
આ ઉપરાંત રજૂઆત અન્ય પણ એક પ્રશ્ન એ પુછવામાં આવ્યો હતો કે, જે ગાડી બ્લેક લીસ્ટ થઈ હોય તે ગાડી હાલમાં ચાલુ છે કે કેમ? અને નિયમો શું છે તેમજ થયેલી કાર્યવાહીની ખરી નકલ આપવાની માગ કરી છે. આ પ્રશ્નના જવાબમાં સોલિડ વેસ્ટ શાખાએ જણાવ્યું હતું કે, અગાઉ બ્લેક લીસ્ટ થયેલા તમામ વાહન હાલ ચાલું છે. ગેરરીતીમાં પકડાયેલા તમામ વાહનને બે માસ માટે બ્લેક લીસ્ટ કરવાની જોગવાઈ છે.
ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
મહાનગરપાલિકાના વિપક્ષી નગરસેવિકા સમજુબેન દીપુભાઈ પાળિયાએ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કમિશનરને લેખિત પત્ર દ્વારા રજૂઆત કરી હતી. તેમજ તમામ સામે કડક અને યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી હતી અને જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...