તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરની જીજી હોસ્પિટલમાં યૌન શોષણ:કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી અટેન્ડેન્ટે કહ્યું - ‘સુપરવાઇઝરો કહેતા અમારી સાથે શારીરિક સંબંધ બાંધો, નહીં તો નોકરી છોડો’

જામનગર3 મહિનો પહેલા
 • જે યુવતી સંબંધ રાખવા ઈન્કાર કરે તેને નોકરીમાંથી દૂર કરાય છે- એટેન્ડન્ટ
 • જામનગર કોવિડ હોસ્પિટલની મહિલા એટેન્ડન્ટ પાસે સુપરવાઈઝર ફિઝિકલ રિલેશન રાખવા દબાણ કરતા હોવાનો આક્ષેપ, કોઈ ફરિયાદ નહીં
 • જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલની એટેન્ડન્ટ યુવતીઓનો આક્ષેપ
 • સુપરવાઇઝરો અઘટિત માગણી અને જાતીય સતામણી કરતા હતા, ચેકિંગના બહાને છેડછાડ કરતા હતા
 • ભોગ બનેલી યુવતીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
 • નોટિસ આપ્યા વિના યુવતીઓને છૂટી કરી દેવાઈ

‘છોકરીઓ કોઇ રિસ્પોન્સ નથી આપતી તો એને કાઢી મૂકે છે, એ લોકો કહે છે કે, અમારી સાથે ફિઝિકલ રિલેશનમાં રહો, જો છોકરીઓ ના પાડે તો કહે છે કે, તો જતા રહો, તમારું કંઈ કામ નથી.’ ઉપરોક્ત શબ્દો છે કોવિડ હોસ્પિટલમાં એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવનારી એક યુવતીના. જામનગરમાં જ્યારે કોરોના પિક પર હતો ત્યારે અહીંની જી.જી. હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં શારીરિક સતામણીના આક્ષેપોથી ખળભળાટ મચ્યો છે. હોસ્પિટલમાં અગાઉ એટેન્ડન્ટ તરીકે કામ કરી ચૂકેલી યુવતીઓએ જામનગર ખાતે દિવ્ય ભાસ્કરની ઑફિસમાં આવીને આ આક્ષેપો કર્યા હતા.

ભાસ્કર ઑફિસ આવીને યુવતીઓએ વ્યથા વ્યક્ત કરી
ભાસ્કર ઑફિસ આવીને યુવતીઓએ વ્યથા વ્યક્ત કરી

કોઈપણ નોટિસ વગર એટેન્ડેન્ટોને છૂટાં કર્યા
દરમિયાન બીજી વેવ ઓસરી જતા કોરોનાના કેસ ઘટી જવાથી કોઈપણ નોટિસ વિના અટેન્ડન્ટોને છૂટા કરી દેવામાં આવ્યા હતાં તો ઘણા અટેન્ડન્ટોનો બે માસથી વેતન ચૂકવાયું નથી. દરમિયાન એટેન્ડન્ટ તરીકે કામ કરતા યુવક-યુવતીઓએ ‘દિવ્ય ભાસ્કર’ની ઓફિસે આવીને વ્યથા વર્ણવી હતી તથા કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરો તથા અન્ય લોકો દ્વારા અઘટિત માંગણીઓ સહિત શારીરિક શોષણ થતું હોવાના ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. યુવતીઓએ હોસ્પિટલમાં વારંવાર ત્રાસ અપાતો હોવાનો પણ દાવો કર્યો હતો. યુવતીઓના આ ગંભીર આક્ષેપો બદલ તપાસની માગણી સ્થાનિક સ્તરે ઉઠી છે.

જામનગરની જીજી હોસ્પિટલની તસવીર
જામનગરની જીજી હોસ્પિટલની તસવીર

મહિને 10 હજાર પગાર આપવામાં આવતો હતો
અન્ય શહેરોની જેમ સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જી.જી.માં બીજી લહેર દરમિયાન સૌરાષ્ટ્રભરના દર્દીઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા જેના કારણે હોસ્પિટલની વ્યવસ્થા પર પણ ખૂબ જ ભારણ વધી ગયું હતું. જેના કારણે તાત્કાલિક દર્દીઓના રોજિંદા કામ તેમજ અમૂક મદદ માટે અટેન્ડન્ટોની તાત્કાલિક ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ભાગરૂપ 800 જેટલા યુવક અને યુવતીઓને હંગામી ધોરણે ભરતી કરાયા હતા. તેમને ફિક્સ વેતન તરીકે 10 હજાર રૂપિયા આપવામાં આવતા હતા.

શોષણ માટે મજબૂર કરવા યુવતીઓને કેવો ત્રાસ અપાતો

 • યુવતીઓને પર્સનલી ચેક કરવામાં આવતી.
 • મોબાઈલ વારંવાર ચેક કરાતો.
 • તેમના પર કેમેરો ઝૂમ કરી રેકોર્ડિંગ કરી મોકલાતો.
 • ફક્ત યુવતીઓને જ પર્સનલ મિટિંગમાં બોલાવાતી.
 • જે યુવતી માગણી સ્વીકારે તેને વિવિધ પ્રકારની છૂટછાટો મળતી.

છૂટા કરી દેવાયા પછી આક્ષેપો કર્યાં
અટેન્ડન્ટ તરીકે કામ કરતી યુવતીઓએ જ્યારે ફરજ પર હતી ત્યારે તેમણે સતામણી અંગે કોઈ ફરિયાદો કે આક્ષેપો કર્યા નહોતા. નોકરીમાંથી છૂટા થયા બાદ આક્ષેપો કરતા ખળભળાટ મચ્યો હતો.

મહિલા એટેન્ડન્ટ દ્વારા ગંભીર આક્ષેપ કરાયા
જામનગર કોવિડ હોસ્પિટલની એક મહિલા એટેન્ડન્ટ દ્વારા આક્ષેપ કરાયો હતો કે, હોસ્પિટલમાં સુપરવાઈઝર દ્વારા શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરવામા આવતું હતું. જો એટેન્ડન્ટ તેનો ઈન્કાર કરે તો તેને નોકરીમાં દૂર કરી દેવામા આવતી હતી. જો કે, મહિલા એટેન્ડન્ટ દ્વારા કરાયેલા આક્ષેપોમાં કોઈ સુપરવાઈઝરનું નામ લેવાયું નથી.

ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ, જીજી હોસ્પિટલ, જામનગર
ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ, જીજી હોસ્પિટલ, જામનગર

અમને લેખિત કે મૌખિક ફરિયાદ મળી નથી- ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ
જામનગર મેડિકલ કોલેજના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ડોકટર ધર્મેશ વસાવડાએ કહ્યું હતું કે, એટેન્ડન્ટ તરફથી તેઓને હજી સુધી કોઈ લેખિત કે મૌખિક ફરિયાદ મળી નથી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન હોસ્પિટલમાં ડેપ્યુટી કલેકટર કક્ષાના અને પીઆઈ કક્ષાના અધિકારી ફરજ પર હાજર હોય છે. તેમને પણ આ પ્રકારની કોઈ ઘટના અંગે ફરિયાદ મળી નથી.

એટેન્ડન્ટના પગારની ચૂકવણી પણ ના કરાઈ હોવાની રજૂઆત
જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેર દરમિયાન જ્યારે બે હજાર કરતા વધુ દર્દીઓ દાખલ હતા ત્યારે એટેન્ડન્ટ પોતાના જીવના જોખમે ફરજ બજાવી હતી અને દર્દીઓની સાર સંભાળ લીધી હતી. જો કે, એટેન્ડન્ટનો આક્ષેપ છે કે, તેઓને એક મહિનાના પગારની ચૂકવણી કરવામા આવી નથી. કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર જ છૂટા કરી દેવામા આવ્યા છે. એટેન્ડન્ટ દ્વારા કલેકટર કચેરી પર રજૂઆત કરી બે દિવસમાં પોતાની સમસ્યાનું નિરાકરણ લાવવા માગ કરી હતી.આ મામલે ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ દ્વારા કહેવામા આવ્યું હતું કે, બેંક એકાઉન્ડ વેરિફાઈની કામગીરી ચાલી રહી છે જે પૂર્ણ થતા જ બાકી પગારની ચૂકવણી કરી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...