ઓમિક્રોનને લઈ રાહતના સમાચાર:ગુજરાતમાં ઓમિક્રોનના ચાર દર્દી સાજા થયા, રાજ્યનો પહેલો દર્દી 16 દિવસે સ્વસ્થ, હવે એક દર્દી જ સારવાર હેઠળ

જામનગરએક મહિનો પહેલા
  • ગુજરાતનો ઓમિક્રોનનો પ્રથમ પોઝિટિવ કેસ જામનગરમાં નોંધાયો હતો
  • જામનગરના ત્રણ દર્દી અને સુરતનો એક દર્દી સ્વસ્થ થયા

ઓમિક્રોનની દહેશત વચ્ચે જામનગર અને ગુજરાત માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં ઓમિક્રોનનો નોંધાયેલો પ્રથમ દર્દી 16 દિવસે સ્વસ્થ થતા આજે તેને હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત દર્દીના બે સંબંધીઓ પણ સ્વસ્થ થઈ જતા તેઓને પણ રજા આપવામા આવી છે. ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત સુરતના એક દર્દી બાદ જામનગરના ત્રણ દર્દીઓ પણ સ્વસ્થ થતા રાજ્યમાં હવે ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત દર્દીના એક્ટિવ કેસની સંખ્યા 1 રહી છે.

જામનગરમાં ઓમિક્રોનના દર્દી માટે તૈયાર કરાયેલો વોર્ડ
જામનગરમાં ઓમિક્રોનના દર્દી માટે તૈયાર કરાયેલો વોર્ડ

દુનિયાભરમાં હાલ કોરોનાના ઓમિક્રોનના વેરિયન્ટને લઈ ફફડાટ ફેલાયેલો છે. આ વેરિયન્ટની ભારત અને ગુજરાતમાં એન્ટ્રી થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ જામનગર શહેરમાં નોંધાયો હતો. ઝિમ્બાબ્વેથી આવેલા વૃદ્ધનો ઓમિક્રોન પોઝિટિવ રિપોર્ટ આવતા જામનગરની ડેન્ટલ હોસ્પિટલમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાયો હતો. વૃદ્ધ બાદ તેના પત્ની અને સાળો પણ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થયા હોવાનો ખુલાસો થયો હતો. આ ત્રણેય દર્દીઓની સારવાર ચાલી રહી હતી. જેના નેગેટિવ રિપોર્ટ આવતા આજે હોસ્પિટલમાં રજા આપવામા આવી હતી.

જામનગરમાં નોંધાયેલા ઓમિક્રોન વેરિયન્ટના ત્રણેય દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફરતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. તબીબો દ્વારા ત્રણેય દર્દીઓને રજા આપ્યા બાદ આઠ દિવસ હોમ આઈસોલેશનમાં રહેવા સલાહ આપી છે. ત્રણેય દર્દી ડીસ્ચાર્જ થતા જામનગરમાં હવે ઓમિક્રોન વેરિયન્ટનો એકપણ એક્ટિવ કેસ બચ્યો નથી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સુરતમાં નોંધાયેલો ઓમિક્રોનનો દર્દી પણ સ્વસ્થ થયો
સુરતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ 13 ડિસેમ્બરે આવ્યો હતો. વરાછાના અશ્વિની કુમાર રોડ પર દેવજી નગર સોસાયટીમાં રહેતા 42 વર્ષીય હીરા વેપારી 30 નવેમ્બરે સાઉથ આફ્રિકાથી કેન્યા થઈ સુરત આવવા નીકળ્યા હતા. 2 ડિસેમ્બરે દિલ્હી એરપોર્ટ પર તેમનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. વિદેશથી આવ્યા હોવાના કારણે પાલિકાએ તેમને કવોરન્ટાઈન કર્યા હતા. જો કે, 4 ડિસેમ્બરે વેપારીએ ફરીથી આરટીપીસીઆર ટેસ્ટ ખાનગી લેબમાં કરાવ્યો જે નેગેટીવ આવ્યો હતો. ત્યારપછી ફરીથી કવોરન્ટાઈન સમયગાળામાં 6 ડિસે.એ વેપારીએ પુન: ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો. લેબ દ્વારા પાલિકાને જાણ કરાઈ હતી. હાઈરિસ્ક દેશમાંથી વેપારી આવ્યા હોવાથી પાલિકાએ તેમને યુનિટિ હોસ્પિટલમાં 7 ડિસે.એ દાખલ કર્યા હતા. તબિયત સ્થિર અને સારી હોવાના કારણે 10 ડિસે.એ તેમને ડિસ્ચાર્જ કરાયા હતા. જો કે, રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે પણ વેપારીમાં કોરોનાના લક્ષણ ન હતા. પાલિકાએ તેમના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલ્યા હતા. સોમવારે તેમના સેમ્પલમાં ઓમિક્રોન વેરિયન્ટ હોવાનો ખુલાસો થયો હતો.

રાજ્યમાં હવે ઓમિક્રોને વેરિયન્ટનો 1 એક્ટિવ કેસ
જામનગર ઓમિક્રોન વેરિયન્ટનો જે કેસ નોંધાયો હતો તે ગુજરાતનો પ્રથમ અને દેશનો ત્રીજો કેસ હતો. ઝિમ્બાબ્વેથી આવેલા વૃદ્ધના બે પરિવારજનો પણ એમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થતા રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસની સંખ્યા ત્રણ થઈ હતી. ત્યારબાદ સુરતમાં એક અને વિજાપુરના પિલવાઈમાં એક કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 5 થઈ હતી. ત્યારબાદ સુરતનો દર્દી અને આજે જામનગરમાં સારવાર લઈ રહેલા ત્રણ દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાં રજા આપી દેવામા આવી છે. જેથી રાજ્યમાં હવે ઓમિક્રોન વેરિયન્ટનો એક જ એક્ટિવ કેસ બચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...