પોલીસના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ?:"તું દારૂનો ધંધો કરે છે કહી પોલીસ હેરાન કરે છે, પપ્પાએ ઘરમાંથી કાઢી મૂક્યો હવે શું કરું?" કહી યુવાને ઝેરી દવા ગટગટાવી

જામનગર6 મહિનો પહેલા
  • દારૂના ધંધા અંગે પોલીસના ત્રાસના કારણે આ પગલું ભરતો હોવાનો વીડિયો વાઈરલ કર્યો
  • યુવકને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો

જામનગર નજીક અલીયા બાડા ગામમાં રહેતા ૨૨ વર્ષીય એક યુવાને ઝેરી દવા પી લઇ આપઘાત નો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જ જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેના પરિવારજનોએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં યુવક પોતે પોલીસના ત્રાસના કારણે દવા પી રહ્યો છે, તે દર્શાવી ઝેરી દવા પી લેતાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ચલાવાઈ રહી છે.

યુવકને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયો
યુવકને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયો

સૂત્રો અનુસાર જામનગર નજીક અલીયા બાડા ગામમાં રહેતો કિશન ભરતભાઈ મકવાણા નામનો 22 વર્ષીય યુવાને ગઈકાલે સોમવારે બપોરે ગામના નિર્જન વિસ્તારમાં જઈ ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે.

યુવકે દવા પીતાં પીતાં વીડિયો બનાવ્યો
નોંધનીય છે કે યુવાન પોતે ઝેરી દવા પી રહ્યો હતો, તે સમયે તેણે પોતાના મોબાઈલમાં વીડિયો બનાવ્યો હતો અને પોલીસના ત્રાસના કારણે પોતે આ પગલું ભરી રહ્યો હોવાનું વીડિયોમાં જાહેર કર્યું હતું. જે વીડિયો પરિવારજનો દ્વારા વાયરલ કરવામાં આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે.

સ્થાનિક પોલીસ તે દારૂનો ધંધો કરે છે, તેવા આરોપ લગાવી વારંવાર તેના ઘરે આવતી હોવાથી કિશનના પિતા વગેરે તેને ઠપકો આપતાં હોવાના કારણે આ પગલું ભરી રહ્યો હોવાનું યુવકે વીડિયોમાં જણાવ્યું છે. જે સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

યુવકે કરેલા આક્ષેપોને પોલીસે ફગાવ્યા
જામનગરના ડીવાયએસપી કૃણાલ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દારૂની બદીને ડામવા માટે પોલીસ અવાર-નવાર ચેકિંગ તો કરશે અને દારૂને પ્રવૃત્તિ કોઈપણ પ્રકારે ચલાવી લેવામાં નહીં આવે. પોલીસ દ્વારા દારૂની પ્રવૃત્તિ કરનારને ચેક કરે છે ત્યારે પોલીસ વિરુદ્ધ ખોટા આક્ષેપો કરે છે તે સ્વાભાવિક વાત છે. જ્યારે આ બાબતની હકીકત એ છે કે, તેમના પિતાએ ઠપકો આપ્યો હતો જે બાબતે લાગી આવતા આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...