જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય તેમજ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલા કૃષિ મેળાને ખૂલ્લો મુકાયો હતો. મેળાની સાથે "વંદે ગુજરાત 20 વર્ષનો વિશ્વાસ અને 20 વર્ષનો વિકાસ" પ્રદર્શનને રાજ્યનાં કૃષિ, પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રી રાઘવજી પટેલે જિલ્લાના નાગરિકો માટે ખુલ્લો મુક્યો હતો. જામનગર જિલ્લાના સખી મંડળો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણને યોગ્ય માધ્યમ તથા પ્રોત્સાહન પૂરું પાડવા તા. 9 જૂન સુધી આ સખી મેળો નાગરિકો માટે સવારે 11 કલાકથી રાત્રીના 9 વાગ્યા સુધી ખુલ્લો રહેશે.
આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે આજે સરકાર દ્વારા જિલ્લાના સખી મંડળોને પ્રોત્સાહન પૂરું પાડવા સખી મંડળો તેમજ રાજ્ય સરકારની 20 વર્ષની પ્રગતિને દર્શાવતી પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. જે જામનગરવાસીઓ માટે આકર્ષણના કેન્દ્રની સાથે સખી મંડળોની બહેનો માટે સ્વ રોજગારીનું માધ્યમ પણ બની રહેશે. સરકાર તેમજ વહિવટી તંત્ર દ્વારા સખી મંડળોને પુરતી સહાય, મદદ અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવી રહ્યું છે. જેના પરીણામે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના બહેનોને આ સખી મંડળોના માધ્યમથી ઘર આંગણે જ રોજગારી મળતા તેઓ સશક્ત અને આત્મનિર્ભર બની રહી છે.
મંત્રીએ આ પ્રસંગે રાજ્ય સરકારનો "વંદે ગુજરાત 20 વર્ષનો વિશ્વાસ અને 20 વર્ષનો વિકાસ" પ્રદર્શનીને નિહાળી હતી. તેમજ વેચાણ અર્થે આવેલ વિવિધ સ્ટોલના બહેનો સાથે વાર્તાલાપ કરી વેચાણ તથા ઉત્પાદન અંગેની ઝીણવટભરી માહિતી મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે તા. 9 જુન સુધી ચાલનારા આ સખી મેળામાં ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બને તે માટે અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત રચાયેલ ગામડાના સ્વસહાય જુથોના સભ્યો એવા મહિલા કારીગરો દ્વારા હેન્ડીક્રાફ્ટ, દોરી વર્ક, જ્વેલરી, હર્બલ પ્રોડક્ટ, ઘર સુશોભનની ચીજવસ્તુઓ, ફાસ્ટ ફૂડ, બેકરી પ્રોડક્ટ, અથાણા, પાપડ, ખાખરા વગેરે જેવી હાથ બનાવટી વસ્તુઓના ૭૫ સ્ટોલ પરથી વેંચાણ કરવામાં આવનાર છે. જેનો જિલ્લાના વધુમાં વધુ નાગરિકોએ લાભ લેવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, કલેક્ટર ડો. સૌરભ પારઘી, જામનગર મહાનગરપાલિકા કમિશ્નર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદા, મહિલા અને બાળ વિકાસ અધિકારી ચંદ્રેશ ભાંભી, જિલ્લા રમત ગમત અધિકારી નીતા વાળા તેમજ વિવિધ સખી મંડળની બહેનો અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.