મેઘરાજાની એન્ટ્રી:જામનગરના ગ્રામ્ય વિસ્તાર બાદ શહેરમાં ધીમી ધારે મેઘમહેર થઇ, વાતાવરણમાં પલ્ટો આવતા ઠંડીનો માહોલ

જામનગર7 મહિનો પહેલા
  • જિલ્લામાં મેધરાજાએ ધમાકેદાર પધરામણી કરી
  • વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશ
  • ખંભાળિયામાં 5 કલાકમાં ધોધમાર 5 ઈંચ
  • ધ્રોલમાં દોઢ ઈંચ વરસતા પાણી વહી ગયા
  • જામજોધપુરમાં પણ પોણો ઈંચ હેત વરસાવ્યું
  • જામનગર, લાલપુર, ભાણવડ, જોડિયામાં ઝાપટા

હાલારમાં મોંઘેરા મેઘરાજાએ પધરામણી કરતા જામનગર-દ્વારકા જિલ્લાના પાંચ તાલુકામાં હળવો ભારે વરસાદ વરસ્યો છે જેમાં ખંભાળિયામાં મેઘરાજા મુશળધાર વરસતા 5 કલાકમાં જ 5 ઇંચ પાણી વરસી ગયુ હતુ.જેના પગલે માર્ગો પાણી પાણી થયા હતા.ધ્રોલમાં દોઢ,જામજોધપુરમાં પોણો ઇંચ વરસાદ થયો હતો. જયારે ગ્રામ્યમાં પણ અમુક સ્થળે વાવણી લાયક વરસાદના કારણે ખેડુતોમાં ખુશી છવાઇ છે.જામનગર સહિત હાલારભરમાં છેલ્લા ચારેક દિવસથી અવારનવાર વરસાદી વાતાવરણ છવાયુ હતુ જેમાં ગુરૂવારે કાલાવડ પંથકમાં મેઘ મંડાણ થતા બે ઇંચ પાણી વરસ્યુ હતુ.

ખંભાળિયા
ખંભાળિયા

જયારે શુક્રવારે પણ સવારથી વરસાદી માહોલ રહયો હતો.જેમાં દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં બપોરે ઝરમર છાંટા શરૂ થયા બાદ મેધરાજા મન મુકી વરસી પડયા હતા.વિજળીના કડાકા ભડાકા સાથે 5 કલાક વરસેલા ધોધમાર વરસાદે 5 ઇંચ જેટલુ પાણી વરસાવી દેતા માર્ગો પાણી પાણી થયા હતા.મૌસમના પ્રથમ ધમાકેદાર વરસાદને વધાવવા માટે શહેરીજનો ખાસ કરી યુવાનો અને ભુલકા માર્ગો પર નિકળ્યા હતા.

સલાયા
સલાયા

જામનગરમાં ઉકળાટ વચ્ચે વરસાદના ઝાપટા
જામનગરમાં શુક્રવારે સવારથી આકાશમાં વાદળો છવાતા શહેરીજનોમાં વરસાદની આશા બંધાઇ હતી. પરંતુ વાદળોના કારણે બફારા અને અસહ્ય ઉકળાટથી લોકો કંટાળી ગયા હતાં. આ સ્થિતિમાં સવારે અને સાંજે શહેરમાં વરસાદના જોરદાર ઝાપટા વરસ્યા હતા. જેના કારણે માર્ગો પર પાણી વહી નિકળ્યા હતાં. વરસાદી ઝાપટાના કારણે લોકોએ ગરમીમાં આંશિક રાહત અનુભવી હતી. { તસ્વીર : હસિત પોપટ

ધ્રોલ
ધ્રોલ

ધ્રોલમાં ગુરૂવારે અડધા ઇંચ બાદ શુક્રવારે પણ મેઘમુકામ રહયો હતો જેમાં બપોર સુધીમાં વધુ દોઢેક ઇંચ પાણી પડયુ હતુ.જયારે જામજોધપુરમાં બપોરે શરૂ થયેલા વરસાદે પોણો ઇંચથી વધુ પાણી વરસાવ્યુ હતુ.જયારે લાલપુર, ભાણવડ અને જોડીયામાં હળવા ઝાપટા વરસ્યા હતા.હાલારમાં રાત્રે પણ વરસાદી માહોલ યથાવત રહયો છે.

વાતાવરણમાં પલ્ટો આવતા ઠંડીનો અહેસાસ થયો
જામનગરના ગ્રામ્ય વિસ્તાર બાદ શહેરમાં મેઘરાજાની એન્ટ્રી ધીમી ધારે થઇ છે. જેમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. શહેરમાં આખરે મેઘરાજાની એન્ટ્રી થઈ છે. શહેરના રોડ પર પાણી ફરી વળ્યા છે. તેમજ અસહ્ય બફારો પણ દૂર થયો છે. તથા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આખરે શહેરમાં વરસાદ પડતાં લોકોને વાતાવરણમાં બફારો થતો હતો તેમાં રાહત થઇ છે. તથા હવે વાતાવરણમાં પલ્ટો આવતા ઠંડીનો અહેસાસ થયો છે.

જામનગર માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસો પલળી
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં આજે વરસાદ વરસ્યો હતો. ત્યારે હાપા માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસો વરસાદમાં પલળી હતી. વરસાદની આગાહી હોવા છતા માર્કેટીંગ યાર્ડમાં અજમાનો જથ્થો ખુલ્લામાં રખાયો હતો. જે આજે વરસાદ વરસતા પલળ્યો હતો.

એકાદ સપ્તાહથી સમયાંતરે વાતાવરણમાં પલ્ટો આવ્યો
જામનગર જિલ્લામાં મેધરાજાએ ધમાકેદાર પધરામણી કરી હતી. જામનગરમાં છેલ્લા એકાદ સપ્તાહથી સમયાંતરે વાતાવરણમાં પલટા વચ્ચે આકાશમાં ઘટાટોપ વાદળોનો જમાવડો રહ્યો હતો. જેમાં ગુરૂવારે સવારથી અસહ્ય ઉકળાટ અને બફારા બાદ બપોરે સાડા ત્રણ વાગ્યા બાદ ઝરમર છાંટા શરૂ થયા હતા. જે બાદ વરસાદે વેગ પકડતા લગભગ સવા પાંચ વાગ્યા સુધીમાં મુશળધાર વરસેલા વરસાદે 45 મી.મી. પાણી વરસાવી દિધુ હતુ. કાલાવડમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીથી ત્રસ્ત લોકો ખાસ કરી યુવા વર્ગ અને બાળકોએ પ્રથમ વરસાદના આગમનને વધાવી લીધુ હતુ.

અમુક સીમ વિસ્તારોમાં એકથી બે ઇંચ સુધીના વરસાદના અહેવાલ
​​​​​​​લગભગ પોણા બે કલાક સુધી યથાવત રહેલા વરસાદથી વાતાવરણમાં ટાઢક પ્રસરી હતી. જોકે,મોડી સાંજે પણ વરસાદી ડોળ યથાવત રહ્યો હતો. જામનગર સહિત જીલ્લાભરમાં મોડી સાંજે વરસાદી માહોલનો મુકામ રહ્યો હતો. ધમાકેદાર વરસાદની સાથે ગ્રામ્યમાં પણ હળવો ભારે વરસાદ વરસ્યો હોવાના વાવડ મળ્યા છે. અમુક સીમ વિસ્તારોમાં એકથી બે ઇંચ સુધીના વરસાદના અહેવાલ મળ્યા છે.

કાલાવડ અને ખંભાળિયા તાલુકાના ગ્રામ્યમાં ધીંગો વરસાદ વરસ્યો
​​​​​​​કાલાવડમાં ગુરૂવારે વરસાદ સાથે ગ્રામ્યમાં પણ હળવો ભારે વરસાદ પડયો હતો જેમાં મોટા પાંચ દેવડામાં 75 મીમી, નિકાવા,મોટા વડાળા અને ભ.બેરાજામાં 30-30 મીમી, ખરેડી અને નવાગામમાં 20-20 મીમી, મોટી બાણુંગાર-હડીયાણામાં 15-15 મીમી, ફલ્લા અને લૈયારામાં 12-12 મીમી, જામ વંથલીમાં 10 મીમી વરસાદ શુક્રવાર સવાર સુધીમાં નોંધાયો હતો.

ખંભાળિયાના રામનાથ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા, કેટલાક વિસ્તારોમાં લાઈટ ગૂલ થતાં રોષ
ખંભાળીયાના નીચાણ વાળા વિસ્તારમાં ધસમસતા વરસાદી પાણી ધસી આવતા રામનાથ, પોરગેઇટ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.શહેરના સતત ધમધમતાનગરગેઇટ ચોકમાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીઓ સર્જાઈ હતી.ઘી નદી,મહાપ્રભુજી બેઠક વારી નદી, તેલી નદી અને દાતા સહિતના ગ્રામ્ય વિસ્તારોના નદી નાળામાં પાણીના પૂર આવ્યા હતા.

ખંભાળિયામાં મૌસમના પ્રથમ વરસાદના પ્રારંભ સાથે કેટલાક વિસ્તારોમાં કલાકો સુધી લાઈટ ગુલ થતા વિજતંત્રની પ્રી મોનસુન કામગીરીની પોલ છતી થઈ હતી જેથી શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો હતો.બીજી બાજુ આ ધમાકેદાર વરસાદના પગલે વાતાવરણમાં ટાઢક પ્રસરી જવા પામી હતી.​​​​​​​

સિઝનનો પહેલો જ વરસાદ આવતા હાલાર આખુ હરખાઈ ગયું હતું અને બાળકો હોંશે-હોંશે પહેલા વરસાદમાં પલળવાની મજા માણવા માટે નીકળી પડ્યા હતા. જો કે, આ વરસાદે નીચાણવાળા કેટલાક વિસ્તારોની મજા બગાડી નાખી હતી અને ત્યાંના રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

બીજી બાજુ ખંભાળિયા પંથકના સલાયા, કુબેર વિસોત્રી, સોડસલા પંથકમાં પણ સાંજે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જેથી મોડી સાંજ સુધીમાં અડધો ઈંચથી વધુ પાણી વરસ્યું હતું. ચોમાસાના પ્રારંભે જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જો કે, હળવા વરસાદને પગલે વાતાવરણમાં ટાઢોડુ છવાતા લોકોએ ગરમીથી મુક્તિ મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...