પુનરાગમન:એક દિવસના વરાપ બાદ વરસાદની ફરી ધબધબાટી જામનગર શહેરમાં અડધો અને ખંભાળિયામાં 3 ઈંચ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાલપુરમાં દોઢ ઈંચ અને જામજોધપુરમાં 1, કલ્યાણપુરમાં પોણો ઈંચ વરસાદ વરસી ગયો
  • ખંભાળિયામાં​​​​​​​ માત્ર બે જ કલાક એવું હેત વરસાવ્યું કે, નગર ગેઈટ, ઝવેરી બજાર જળબંબાકાર કરી દીધા

ખંભાળિયામાં બપોર બાદ મંડાયેલા મેઘરાજાએ લગભગ બે કલાકમાં ત્રણ ઇંચથી વધુ પાણી વરસાવી દેતા નગરગેઇટ,ઝવેરી બજાર સહિતના વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.જામનગરમાં એક દિવસના વિરામ બાદ સાંજ સુધીમાં વધુ અડધો ઇંચ વરસાદ થયો હતો.લાલપુરમાં દોઢ, અને જામજોધપુરમાં એક અને કલ્યાણપુરમાં પોણો ઇંચ જેટલુ પાણી વરસ્યું હતુ.

ખંભાળીયામાં ગુરૂવારે સવારે સૂર્યનારાયણે દર્શન દેતા તડકો જોવા મળ્યો હતો.ત્યારબાદ બપોરે બે વાગ્યા બાદ એકાએક વાતાવરણમાં પલ્ટા સાથે ત્રણ વાગ્યાના સુમારે ગાજવિજ અને વિજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. જેમાં લગભગ બે કલાક સુધી વરસેલા સતત ધોધમાર વરસાદે સરેરાશ અઢીથી ત્રણ ઇંચ જેટલો પાણી વરસાવી દિધુ હતુ.ત્યારબાદ હળવા વરસાદ સાથે મોડી સાંજ સુધી મેઘાવી માહોલ જોવા મળ્યો હતો.

શહેરમાં દોઢથી બે કલાકના સમયગાળામાં મુશળધાર વરસાદથી રોડ પર પાણી ફરી વળ્યાં હતા. જેમાં શ્રીજી સોસાયટી, મુખ્ય એવા નગર ગેઇટ, ઝવેરી બજાર સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ આવ્યા હતા શહેરની ભાગોળે ધરમપુર વિસ્તારમાંથી પસાર થતી મહાપ્રભુજીની બેઠક પાસે નદીમાં પુર આવ્યા હતા. કલ્યાણપુરમાં ગુરૂવારે સવારથી સાંજ સુધી સમયાંતરે પડેલા હળવા વરસાદે સાંજે છ વાગ્યા સુધીમાં 17 મીમી પાણી વરસાવ્યુ હતુ.

ઘી ડેમમાં નવા નીરથી સપાટી 10 ફુટે પહોંચી
ખંભાળિયામાં ધીંગા વરસાદ કારણે શહેરની જીવાદોરી સમાન ઘી ડેમમા નવા નીરની આવક થતાં સપાટી 10 ફૂટ જેટલી પહોંચી હતી અને ડેમની ઉપરવાસથી નવા નીરની આવક ચાલુ હોવાનું જાણવા મળ્યુ છે.શહેરને પીવાનુ પાણી પુરૂ પાડતા ડેમમાં નવા નીર આવતા હર્ષની લાગણી છવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...