• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • After Getting The Ticket, Rivaba Said, 'Now They Are Also Called BJP Workers, Soon They Will Come To Campaign In The Election Campaign'.

ક્રિકેટર રવીન્દ્ર જાડેજા ચૂંટણીપ્રચારમાં ઊતરશે:રિવાબાને ટિકિટ મળતાં માન્યો મોદીનો આભાર, પત્નીએ કહ્યું-  'હવે તેઓ પણ ભાજપના કાર્યકર જ કહેવાય'

જામનગર24 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં જાહેર થઈ એને સપ્તાહ વીતી ગયું. પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવવાને હવે 4 જ દિવસની વાર છે ત્યારે બીજેપીએ આજે તબક્કાના ઉમેદવારોની યાદી આજે જાહેર કરી છે,. જેમાં જામનગર ઉત્તર બેઠક પરથી ધમેન્દ્રસિંહ જાડેજાની જગ્યાએ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે રીવાબાએ જણાવ્યું હતું કે 'હવે ક્રિકેટર રવીન્દ્ર જાડેજા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જ કહેવાય અને પરિવારના સભ્ય કહેવાય એટલા માટે ટૂંક સમયમાં જામનગરમાં વિધાનસભાના ચૂંટણીજંગમાં પ્રચાર માટે ઊતરશે.'

હકુભાની ટિકિટ કપાઈ
જામનગર ઉત્તર બેઠક પર ભાજપના ધારાસભ્ય હકુભાને સૌથી મોટો ફટકો પડ્યો છે, તેમની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. પાર્ટીએ રીવાબાની પસંદગી કરતાં જામનગરના મહિલા ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. જામનગર શહેર ભાજપના મધ્યસ્થ કાર્યાલય પાસે રીવાબા જાડેજા આવી પહોંચ્યાં ત્યારે શહેર ભાજપનાં અનેક મહિલા કાર્યકરો ઉપસ્થિત રહી હતી અને તેમનું કુમકુમ તિલકથી સ્વાગત કરી હારતોરા કરાયા હતા અને નારીશક્તિના દર્શન જોવા મળ્યાં હતાં. રીવાબા જાડેજા 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન માર્ચ મહિનામાં ભાજપમાં જોડાયાં હતાં.

ક્રિકેટર રવીન્દ્ર જાડેજા પ્રચારમાં ઊતરશે
રીવાબાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હવે ક્રિકેટર રવીન્દ્ર જાડેજા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જ કહેવાય અને પરિવારના સભ્ય કહેવાય એટલા માટે ટૂંક સમયમાં જામનગરમાં વિધાનસભાના ચૂંટણીજંગમાં પ્રચાર માટે ઊતરશે તેમજ ગુજરાતની અન્ય બેઠકોમાં પણ તેમનો ફાયદો મળી શકે છે.

કોણ છે રીવાબા જાડેજા?
રીવાબા ગુજરાતનાં રાજકોટનાં છે. તેના પિતા બિઝનેસમેન છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ તેઓ લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. વર્ષ 2016માં તેમણે ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યાં હતાં. ભાજપમાં જોડાતાં પહેલાં રીવાબા રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના સભ્ય રહી ચૂક્યાં છે. તેઓ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાયાં હતાં. ત્યારથી તેઓ પાર્ટીના કાર્યક્રમોમાં સ્ટેજ પર જોવા મળે છે.

રીવાબા કોંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ સોલંકીના સંબંધી છે
રીવાબા જાડેજા, કોંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ સોલંકીના સંબંધી પણ છે. રીવાબા પોતાનો વધારે સમય રાજકોટ અને જામનગરમાં વિતાવે છે. રાજકોટમાં તેમની એક રેસ્ટોરન્ટ છે, જ્યારે જામનગરમાં ઘર છે. જ્યારે રીવાબાએ ભાજપ જોઈન કર્યું ત્યારે પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે રીવાબા ગુજરાતનો એક મોટો ચહેરો છે. તેમનું ભાજપ સાથે જોડાવવું એક સારો ફાયદો થઈ શકે છે.

રવીન્દ્રના પિતા પણ રાજનીતિમાં છે
રવીન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા અને બહેન નૈના બહેન પણ રાજનીતિમાં છે. નૈતાબા જામનગરમાં મહિલા કોંગ્રેસ-અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે રવીન્દ્ર જાડેજા માત્ર 17 વર્ષના હતા ત્યારથી તેમની માતાનું નિધન થયું હતું. ત્યાર બાદ બહેન નૈનાએ તેમની જવાબદારી સંભાળી હતી અને ક્રિકેટ રમવા માટે પ્રેરણા આપી હતી.

કિક્રેટર રવીન્દ્ર જાડેજાએ ટ્વિટ કરી શુભકામના પાઠવી

કિક્રેટર રવીન્દ્ર જાડેજાએ ટ્ટીટ કરીને પત્ની રીવાબાને વિધાનસભાની ચૂંટણીની ટિકિટ મળવા બદલ શુભકામના પાઠવી હતી તેમજ જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...