અમદાવાદ મહાનગરપાલિકાની માફક જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ કૉંગ્રેસ નેતા વિપક્ષનું નામ નક્કી કરી શકી નથી. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ કૉંગ્રેસે વિપક્ષના નેતાની પસંદગીની કવાયત હાથ ધરી છે. જામનગર મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા માટે આનંદ રાઠોડ અને ધવલ નંદા પ્રબળ દાવેદારો ગણવામાં આવી રહ્યા છે. પાર્ટીએ વિવાદ ટાળવા એક એક વર્ષ માટે વિપક્ષના નેતા બનાવવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા અને 11 માસ પછી પણ સર્વાનુમતે નક્કી નહીં કરી સકતા કોંગ્રેસ પક્ષની નેતાગીરી એ આખરે વિવાદ ટાળવા બે નગરસેવકોને એક એક વર્ષની ટર્મ આપવાનો નિર્ણય લેવો પડ્યો છે. જોકે તેમાં પહેલા કોને વિપક્ષી નેતા બનાવે તે તો મહાનગરપાલિકામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માંથી કવરમાંથી જેનું નામ નીકળે ત્યારે જ ખબર પડશે તેના માટે છેલ્લી ઘડી સુધી ચાલી રહ્યું છે તો વિપક્ષી નેતા નું નામ જાહેર કરવા માટે તારીખ 15મી જાન્યુઆરીએ નિર્ણય લેવાઈ જાય તેવું ચોક્કસ સૂત્રોમાંથી માહિતી મળી છે.
જ્યારે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને દાવેદારો વચ્ચેની સમજુતીના અભાવે કોંગ્રેસે આ જ દિવસ સુધી વિપક્ષના નેતાનું નામ નક્કી કરી શક્યું નથી તે માટે મહાનગરપાલિકાના વિપક્ષની લગામ હાલ તો વિપક્ષ નેતા તરીકે અલ્તાફ ખફી ને સોંપવામાં આવી હતી.જ્યારે થોડો સમય પહેલા રાજકોટ ખાતે યોજાયેલી ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ ટૂંક સમયમાં જ વિપક્ષી નેતા ની નિમણૂક થશે તેવું મિટિંગમાં જણાવ્યું હતું અને તેની જવાબદારી જામનગરના પૂર્વ સાંસદ અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમને સોંપી હતી
ત્યારે વિપક્ષી નેતા માટે સિનિયર કોર્પોરેટર આનંદ રાઠોડ અને યુવા કોર્પોરેટર ધવલ નંદાનું નામ ચર્ચામાં ચાલી રહ્યું હતું અને મહાનગર પાલિકાના વિપક્ષી નેતાપદ માટે આ બન્નેમાંથી એક જ નામ આવશે તેવું ચોક્કસ સૂત્રોમાંથી આજરોજ માહિતી મળી છે.
જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસમાં વારંવાર જૂથબંધી સામે આવી છે. ત્યારે થોડા જ સમય પહેલા જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સભ્યની ચૂંટણીમાં પણ જૂથબંધી સામે આવી હતી. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય પદ માટે બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ત્યારબાદ માંડ ઘીના ઠામમાં ઘી પડ્યું હતું. જો કે ફરીવાર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા પસંદગી ટૂંક સમયમાં થવાની છે, ત્યારે વિવાદ વગર વિપક્ષના નેતા પદની પસંદગી થઇ શકે છે કે નહીં તે જોવા સૌ કોઈ ઉત્સુક છે.
જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા માટે હાલમાં ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ ધારાસભ્ય વિક્રમ માડમને પસંદગીની જવાબદારી સોંપી હતી. ત્યારે ધારાસભ્ય વિક્રમ માડમ કોના નામની પસંદગી કરે છે કમુરતા બાદ તરત જ ખબર પડશે તેવી માહિતી ચોક્કસ આધારભૂત સૂત્રોમાંથી મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.