ધરપકડ:ખીમલિયામાં યુવાનની હત્યા પ્રકરણમાં આરોપી ત્રિપૂટી પકડાઈ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ અંગે બાતમીની શંકા પરથી બોલાવી કાસળ કાઢી નાખ્યું’તું
  • સ્થાનિક ગુના શોધક શાખાએ લૈયારા પાસેથી દબોચી લીધા, પુછતાછ

ખીમલીયા ગામે પાસે એક યુવાનની પુર્વયોજીત કાવતરૂ રચી તિક્ષ્ણ હથિયાર અને ઘોકાના ઘા ઝીંકીને હત્યા નિપજાવવાના પ્રકરણમાં સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે ત્રણ આરોપીને ધ્રોલના લૈયારા પાસેથી દબોચી લીધા છે.જે ત્રણેય શખસોની પુછતાછ હાથ ધરાઇ છે.

ખીમલીયા નજીક રાત્રે મહેશભાઇ ઉર્ફે મુન્નાભાઇ કાનજીભાઇ વાઘોણા (ઉ.વ.32) નામના યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.જેની જાણ થતા પંચ બી ડીવીઝનના પીએસઆઇ સી.એમ. કાંટેલિયા અને સ્ટાફ દોડી ગયો હતો અને મૃતક પાસેથી મળેલા પાનકાર્ડના આધારે પરીવારને જાણ કરી હતી.

આ બનાવ અંગે મૃતકના પત્ની પૂનમબેનએ પોલીસ મથકમાં અમીત અશોકભાઈ પીપળીયા, આકાશ પરેશભાઈ કોળી ઉર્ફે બબન તથા સાગર ઉર્ફે ધમભા ઉર્ફે મહાકાલ જયસુખભાઈ કારડીયા નામના ત્રણ શખ્સ સામે ફરીયાદ નોધાવી હતી.જેમાં ત્રણેયએ એકસંપ કરી પુર્વયોજીત કાવતરૂ રચી તિક્ષ્ણ હથિયાર અને ઘોકા ફટકારી મહેશભાઇને ગંભીર ઇજા પહોચાડી મોતને ઘાટ ઉતાર્યાનુ જાહેર થયુ હતુ.

હત્યાના આ બનાવની તપાસ દરમિયાન સ્થાનિક ગુના શોધક શાખાની ટીમને આરોપીઓના સગડ સાંપડયા હતા જેના આધારે પોલીસે જામનગર-રાજકોટ ઘોરીમાર્ગ પર લૈયારા પાસે વોચ ગોઠવી ત્રણેય આરોપીને પકડી પાડયા હતા. મૃતકના પત્નીએ પોલીસ ફરીયાદમાં જાહેર કર્યા અનુસાર આરોપી ધમભા ઉર્ફે મહાકાલ સામે દારૂ સંબંધિત કેસ થયો હતો જેમાં મૃતકે પોલીસમાં બાતમી આપ્યાની શંકા,ખાર રાખી ગુનાહિત કાવતરૂ રચી ફોન કરી મળવા માટે બોલાવી જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવ્યાનુ જાહેર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...