જામનગરના જોગર્સ પાર્ક પાસેથી બે દિવસ પૂર્વ થયેલા એક્ટિવાની ચોરી મામલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં આરોપી એક દિવસ પહેલા જ બાઈક ચોરીના ગુનામાં પેરોલ પર મુક્ત થયો હતો. પેરોલ પર મુક્ત થયાના બીજા જ દિવસે ફરી મોટર સાયકલ ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે.
જામનગરમાં બે દિવસ પૂર્વે તા.14 /02/22ના રોજ સાંજે પાંચથી છ વાગ્યાના ગાળા દરમિયાન જોગસપાર્ક પાસે વી માર્ટ સામે આવેલ રીધ્ધી સીધ્ધી શાકભાજીની દુકાનની બાજુમા રોડ પરથી જયેશભાઇ કાનજીભાઇ પરમાર રહે.મોરકંડા રોડ, કાલાવાડ આઉટ સાઇડ,બાલનાથ મંદીરની બાજુમા જામનગર વાળાની ગ્રે કલરની સુજુકી એકસેસની ચોરી થવા પામી હતી. જીજે 10 સીએસ 9886 નંબરની મોટરસાયકલ ચોરી થઇ જતા જયેશભાઈએ સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે એલસીબીએ તપાસ હાથ ધરી હતી. રૂપિયા 30 હજારની કીમતના મોટરસાયકલની ચોરી થઇ જતા પોલીસે ટેકનીકલ ટીમ ની મદદથી તપાસ હાથ ધરી, ગુલાબનગર વિસ્તારમાં રહેતા મૂળ તાલાલાના આરોપી નરેશ પરમારને પકડી પાડ્યો હતો. પોલીએ આ શખ્સના કબ્જામાંથી એક્સેસ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મૂળ ગીરસોમનાથ જીલ્લાનો તાલાલાનો આરોપી થોડા વર્ષોથી ગુલાબનગર વિસ્તારમાં રહી મજુરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ સખ્સના કોવીડ ટેસ્ટ હાથ ધરી આરોપીની ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં મજુરી કામ કરવામાં પૈસા ઓછા મળતા આરોપી નરેશ ચોરીના રવાડે ચડ્યો હતો. અગાઉ એક બાઈક ચોરી કરી હતી. પરંતુ આરોપી પોલીસના હાથ પકડાઈ ગયો હતો. કાયદાકીય કાર્યવાહી બાદ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જ્યાંથી તાજેતરમાં પેરોલ પર તે મુક્ત થયો હતો. પેરોલ મળતા જ આરોપીએ જુનો ધંધો શરુ કરી દીધો હોય તેમ બીજા જ દિવસે એક્સેસ ચોરી કરી હતી. પરંતુ આ વખતે પણ તે પોલીસના હાથ ચડી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.