• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Accused Of Robbing The Jewelery Of An Old Man Living Alone Near ST Depot In Jamnagar Was Caught, The Accused Was Living Upstairs Of The Old Woman

ધોળે દિવસે લૂંટનો મામલો:જામનગરના એસટી ડેપો પાસે એકલા રહેતા વૃદ્ધાના દાગીનાની લૂંટ ચલાવનાર આરોપી ઝડપાયો, વૃદ્ધાની પાડોશમાં જ રહેતો હતો

જામનગર3 મહિનો પહેલા
  • વૃદ્ધા ઘરમાં એકલા રહેતા હોવાથી અને તેમની પાસે દાગીના હોવાથી લૂંટનો પ્લાન ઘડ્યો હતો

જામનગરના એસટી રોડ પર બનેલા લૂંટના બનાવ મામલે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ભોગ બનનાર વૃદ્ધાના ફ્લેટની ઉપરના ફ્લેટમાં જ આરોપી રહેતો હોવાનો ખુલાસો થયો છે. વૃદ્ધા સોનાના ઘરણે પહેરતા હોય અને એકલા રહેતા હોવાના કારણે આરોપીએ લૂંટનો પ્લાન ઘડ્યો હતો.

આરોપી મીટર ચેક કરવાના નામે ઘરમાં પ્રવેશ્યો હતો
જામનગરના એસટી ડેપો રોડ પર આવેલા હિમાલય એપાર્ટમેન્ટમાં વિજ્યાલક્ષ્મીબેન પિલ્લઈ છેલ્લા વર્ષથી વસવાટ કરે છે. તેમના પતિના નિધન બાદ હાલ તેઓ એકલા જ રહે છે. ગુરુવારે બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં વિજ્યાલક્ષ્મીબેન ઘરકામ કરી રહ્યા હતા ત્યારે જ એક અજાણ્યો શખ્સ વીજ કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપી ઘરમાં પ્રવેશ્યો હતો. વીજ મીટરમાં દેખાતું ન હોવાનું કહી મયુર નામના શખ્સે ઘરનો દરવાજો બંધ કરાવ્યો હતો. ત્યારબાદ મહિલાને છરી બતાવી પહેરેલા દાગીના ઉતરાવી લીધા હતા. દાગીનાઓ એકઠા કરી મહિલાને ઘરમાં પૂરી આરોપી ફરાર થઈ ગયો હતો.

વિજયાલક્ષ્મી બહેને દેકારો કરતા આસપાસથી લોકો દોડી આવ્યા
ધોળે દિવસે આરોપીએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાના કારણે આસપાસમાં રહેતા પડોશીઓને ખબર પણ પડી ન હતી. રૂમમાં પૂરી દેવાયેલા મહિલાએ જ્યારે બૂમો પાડી ત્યારે પાડોશમાંથી લોકો આવ્યા હતા અને દરવાજો ખોલ્યો હતો.

પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો
ભોગ બનનાર વૃદ્ધા દ્વારા લૂંટ મામલે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. પોલીસે આસપાસના અને રસ્તા પરના સીસીટીવી ચેક કરી આરોપીનું પગેરું દબાવવાનો પ્રયાસ કર્યો હતો.

ભોગ બનનાર વૃદ્ધાના દાગીનાની લૂંટ ચલાવનાર પાડોશી જ નીકળ્યો​​​​​​
​આરોપી ચાંદી બજારમાં મહાવીર બાંધણી પાસે વોચ ગોઠવી મયુર નરભેનાથ કંથારાઇ નામના શખ્સની તલાસી લેતા તેમની પાસેથી છ બંગડી, સોનાનો ચેન સહિતનો મુદ્દા માલ મળી આવતા પોલીસે મુદ્દા માલ કબજે કરી લૂંટ ચલાવનાર મયુરને ઝડપી પાડ્યો હતો. આરોપી ભોગ બનનાર વૃદ્ધ મહિલાના એપાર્ટમેન્ટમાં જ તેના ઉપરના માળ ઉપર જ રહેતો હતો, જેથી વૃદ્ધા એકલા હોવાની જાણ હોય જેથી લૂટો પ્લાન રચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...