ધરપકડ:10 વર્ષથી ફરાર આરોપીઓ અમદાવાદના રાણીપથી ઝડપાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દહેજ અને છેતરપિંડી-વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા હતા

જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં દહેજ વિરોધી ગુનામાં 10 વર્ષથી નાસતા ફરતા 3 શખસોને અમદાવાદ પોલીસે અમદાવાદ ખાતેથી પકડી પાડી જામનગર પોલીસને હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2012માં દહેજ પ્રતિબંધક ધારા અંગેની વિવિધ કલમો તેમજ છેતરપિંડી, વિશ્વાસઘાત અને માર મારવા અંગેનો ગુનો નોંધાયો હતો. જેમાં બિન્દેશ નરેન્દ્રભાઈ પંડયા, નરેન્દ્રભાઈ પ્રમોદભાઈ પંડયા અને ચંદ્રિકાબેન નરેન્દ્રભાઈ પંડયા છેલ્લા 10 વર્ષથી પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા હતા.

દરમિયાન અમદાવાદ પોલીસને મળેલી બાતમીના આધારે તેઓને ન્યુ રાણીપ અમદાવાદ ખાતે તેમના મકાનેથી પકડી પાડી આરોપીઓને જામનગર મહિલા પોલીસ સ્ટેશન મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલા આરોપીઓ સામે વર્ષ 2012માં ગુનો નોંધાયો હતો જેમાં તેમણે દહેજ લઈને છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કર્યો હતો. આ ઉપરાંત પરિણીતાને માર પણ મારવામાં આવતો હતો. આ કેસ નોંધાયા બાદ આરોપીઓ સ્થાનિક પોલીસની પકડથી બહાર રહ્યા હતા. જામનગર પોલીસે ઘણી વખત ધક્કા ખાધા હતા પરંતુ સફળતા મળી ન હતી. કોર્ટે અમદાવાદ કમિશનરને સમન્સ બજાવતા તેમણે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓને પકડી પાડ્યા હતા. અમદાવાદ પોલીસ દ્વારા આ કેસ માટે સ્પેશિયલ ટીમને કામ સોંપવામાં આવ્યું હતું જેમણે આરોપીને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...