જામનગરમાં 1983માં સ્થાપાયેલી સરકારી પોલીટેકનીક કોલેજમાં ન્યુ દિલ્હીના નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન દ્વારા તા.4થી 6 માર્ચ દરમિયાન થયેલી ઇન્સ્પેક્શન બાદ સંસ્થાના કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગ વિદ્યાશાખાને આગામી ત્રણ વર્ષ માટે એક્રેડિટેશનની માન્યતા પ્રાપ્ત થઇ છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાના શિક્ષણ માટે વોશિંગ્ટન એકોર્ડમાં ભારત દેશ એક સભ્ય દેશ તરીકે જોડાયો છે. જેના અનુસંધાને વોશિંગ્ટન એકોર્ડ મુજબ ન્યુ દિલ્હી નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન દ્વારા ભારતમાં ટેકનીકલ સંસ્થાઓના શૈક્ષણિક સ્તર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગુણવત્તા, આઉટકમ બેઇઝ એજ્યુકેશન અને પ્લેસમેન્ટ વગેરે બાબતોનું ઇન્સ્પેક્શન કરીને એક્રેડિટેશન આપવામાં આવે છે.
જામનગર જિલ્લાની એકમાત્ર સરકારી પોલિટેકનિક કોલેજમાં કોમ્પ્યુટર, મીકેનીકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, ઇસી એન્જીન્યરીંગ પૈકીની કોમ્પ્યુટર અને મીકેનીકલ એન્જીન્યરીંગ વિદ્યાશાખાએ ગત શૈક્ષણિક વર્ષ 2021-22 માં એનબીએ એક્રેડિટેશન માટે અરજી કરી હતી. આ સંદર્ભે દિલ્હીની એનબીએ સંસ્થા દ્વારા નિમાયેલા તજજ્ઞોએ સંસ્થાની રૂબરૂ મુલાકાત લઈ જુદા-જુદા માપદંડોની ચકાસી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગ વિદ્યાશાખાને આગામી ત્રણ વર્ષ માટે એક્રેડિટેશન પ્રાપ્ત થયું છે.
તજજ્ઞોએ અભ્યાસની પધ્ધતિઓ, સંશોધન, સુવિધાનું નિરીક્ષણ કર્યું
એનબીએના તજજ્ઞોએ પોલીટેકનીક કોલેજના સ્ટાફને પ્રશ્નો પૂછી ચર્ચા કરી કામગીરીના આધાર પુરાવા ચકાસ્યા હતાં. સંસ્થાની લાઈબ્રેરી, વિવિધ લેબોરેટરીઓ અને તેમાં રહેલા સાધનો, સંસ્થાનું બજેટ, જીટીયુનું વિધાર્થીઓનું રિઝલ્ટ, વિધાર્થીઓનું પ્લેસમેન્ટ, વિધાર્થીઓના પ્રોજેક્ટસ, સંસ્થાની ટીચીંગ લર્નીંગ પદ્ધતિઓ તેમજ શૈક્ષણિક સ્તર, ફેકલ્ટી દ્વારા લેવાયેલી તાલીમ અને તેમના દ્વારા થયેલા સંશોધન, વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં પ્રવૃતિઓ, રમતગમતની સુવિધા તપાસવામાં આવ્યા હતા. ઉપરાંત સંસ્થાના હાલના વિધાર્થીઓ, ભૂતપૂર્વ વિધાર્થીઓ, વાલીઓ, કંપનીઓ તેમજ તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે સંસ્થાના સ્ટાફની ગેરહાજરીમાં સંસ્થાની કાર્યપદ્ધતિ વિષે ચર્ચા કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.