ગાંજો પકડાયો:ઠેબા નજીક 6.1 કિલો ગાંજા સાથે સિક્કાની મહિલા ઝડપાઇ, સુરતથી લાવ્યાનું ખુલ્યું

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂા.71,350નો મુદામાલ કબ્જે કરતી એસઓજી પોલીસ : સપ્લાયરની શોધખોળ

જામનગરના ઠેબા ગામ નજીકથી પોલીસે 6 કિલો 100 ગ્રામ ગાંજા સાથે સિકકાની મહિલાને પકડી પાડી હતી. મહિલા સુરતથી ગાંજો લાવી હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે રૂ.71350નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર પંચકોશી-એ ડીવીઝનનો પોલીસ સ્ટાફ તા.2 ના રોજ પેટ્રોલીંગમાં હતો ત્યારે ઠેબા નજીક એક મહિલા ગાંજાના જથ્થા સાથે પસાર થવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન ઠેબા ગામ આગળ કાલાવડ રોડ પર આવેલા સુન્ની મુસ્લિમ જમાત કબ્રસ્તાનની સામેના રોડ પરથી પસાર થતી સખીનાબેન દાઉદભાઇ ગજણ નામની મહિલાને આંતરી પોલીસે તેની તલાસી લીધી હતી. તલાસી દરમ્યાન તેણીના કબ્જામાંથી 6 કિલો 100 ગ્રામ ગાંજો કિં.રૂ.61000 મળી આવ્યો હતો.

આથી પોલીસે ગાંજો અને મોબાઇલ મળી કુલ રૂ.71350 ની મતા કબ્જે કરી હતી. પોલીસ તપાસ દરમ્યાન આ મહિલા સિકકામાં રહેતી હોવાનું અને ગાંજાનો જથ્થો સુરતના શખસ પાસેથી લાવી હોવાનું ખુલ્યું છે. આથી પોલીસે સુરતના અજાણ્યા શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...