વિદ્યાર્થી સંક્રમિત થતાં કોલેજ બંધ:જામનગરની પોલિટેકનિક કોલેજનો એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા એક સપ્તાહ માટે શૈક્ષણિક કાર્ય બંધ

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીને હોમ આઈસોલેશનમાં મૂકાયો, અન્ય વિદ્યાર્થીઓના કોવિડ ટેસ્ટની કાર્યવાહી શરૂ
  • રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દ્વારા ઓફલાઈન શિક્ષણ બંધ કરવા રજૂઆત

જામનગરની સરકારી પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીને તાવ-શરદીની તકલીફ થયા પછી તેનો કોવિડ ટેસ્ટ કરાવાયો હતો. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી પોલિટેકનિક કોલેજમાં ભારે દોડધામ થઈ હતી. જે વિદ્યાર્થીને હોમ આઈસોલેશનમાં મૂકી દેવાયો છે. ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓના કોવિડ ટેસ્ટની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટૂકડી દ્વારા પોલિટેકનિક કોલેજના અન્ય વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત એક સપ્તાહ માટે પોલિટેકનિક કોલેજને બંધ કરી ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલુ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વિદ્યાર્થીઓમાં પણ ફેલાતું જતું હોવાથી શિક્ષણ જગતમાં ભારે ચિંતા પ્રસરી છે. આરોગ્ય તંત્ર દ્વારા પણ 15થી 18 વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓમાં વેક્સિનેશન ઝડપથી પૂર્ણ કરી લેવા માટે દોડધામ કરાઈ રહી છે.

ચંદ્રકાંત ખાખરીયા ,પ્રમુખ રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘ
ચંદ્રકાંત ખાખરીયા ,પ્રમુખ રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘ

રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘે જામનગર શહેરી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ કરવા રજૂઆત કરી છે.છેલ્લા એકાદ સપ્તાહ દરમ્યાન રાજ્યભરના મોટા શહેરોમાં મહાનગરપાલિકા, નગરપાલિકા વિસ્તારોમાં ઓમિક્રોન અને કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. રાજ્યમાં વિવિધ શહેરોની પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે.

રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ચંદ્રકાન્ત ખાખરીયાએ જણાવ્યું હતું કે હાલમાં ભારતનાં વિવિધ રાજ્યોમાં પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ સ્થગિત કરવામાં આવેલું છે. ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકો કોવિડ પ્રોટોકોલનું પાલન કરી શકે નહીં પરિણામે બાળકો સંક્રમિત થાય છે. આ સ્થિતિમાં પ્રાથમિક શાળાના બાળકો તથા પ્રાથમિક શિક્ષકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને તા. 10 જાન્યુઆરી, 2022થી પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ સ્થગિત કરવા યોગ્ય વિચારણા કરવા અમારી રજૂઆત છે.

અન્ય સમાચારો પણ છે...