ડીટેકશન:દરેડના કારખાનામાં તસ્કરી આચરનારી ટોળકી પકડાઈ

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક ગુના શોધક શાખાએ દરેડ-મસીતીયા રોડ પરથી પાંચને દબોચી લીધા, આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ
  • બે માસના ગાળામાં આચરાયેલી તસ્કરી: રૂા.2.18 લાખની કિંમતના બ્રાસના 29 ઇનગોટ સહિતનો ચોરાઉ મુદામાલ કબજે કરાયો

જામનગરના દરેડ જીઆઇડીસી ફેસ-2માં આવેલા એક બ્રાસપાર્ટસના કારખાનામાંથી લગભગ બે માસ દરમિયાન કોઇ તસ્કર રૂ.2.28 લાખની કિંમતનો 480 કિલો બ્રાસનો સામાન ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો હતો.જેની ફરીયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં સ્થાનિક ગુના શોધક શાખાએ સમયાંતરે કારખાનામાં હાથફેરો કરનાર પાંચ શખસોને પકડી પાડી રૂ.2.18 લાખનો ચોરાઉ મુદામાલ કબજે કર્યો છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરના રણજીત સાગર રોડ પર પટેલ પાર્ક-11માં શિવકૃપા રેસીડેન્સી-4માં વસવાટ કરતા મૂળ મહારાષ્ટ્રના વતની અશોક શિવાજીભાઈ એડેકર નામના આસામીએ તેના દરેડ જીઆઈડીસી ફેસ-2માં આવેલા ગણેશ કાસ્ટ નામના કારખાનામાંથી ગત તા.1 જુલાઈથી તા.31 ઓગસ્ટ દરમિયાન જુદા જુદા સમયે 480 કિલો પિત્તળનો સામાન ચોરાઈ ગયો હોવાની ફરીયાદ પંચ બી પોલીસ મથકમાં નોંધાવી છે.કારખાનેદારની આ ફરીયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

જે દરમિયાન એલસીબીએ પણ તપાસમાં ઝુકાવ્યુ હતુ જેમાં સીસીટીવી ફુટેજની મદદ મેળવી જુદી જુદી દિશામાં તપાસ લંબાવાઇ હતી.જે બાદ પોલીસે દરેડ-મસીતિયા રોડ પર શિવમ પાર્ક-15માંથી શ્યામસુંદર હાકીમભાઇ જાટવ, ઉમેશ ઓમપ્રકાશસીંગ ઠાકુર, શીવશંકર યશપાલસીંહ ઠાકુર, રીંકુસિંગ મહેશભાઇ ચંદ અને ગૌરવ મનીષભાઇ ઠાકુરને પકડી પાડી રૂ.2.18 લાખની કિંમતનો ચોરાઉ બ્રાસનો 460 કિલો જથ્થો કબજે કર્યો હતો.

પાંચેય આરોપી યુપીના વતની હોવાનું ખૂલ્યું
પોલીસે બ્રાસપાર્ટસના ચોરાઉ માતબર જથ્થા સાથે પાંચ આરોપીને પકડી પાડયા છે પાંચેય મુળ ઉતરપ્રદેશના વતની હોવાનુ સામે આવ્યુ છે જે પાંચેની સધન પુછપરછ સાથે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...