સફાઈ કામદારની પ્રામાણિકતા:એસટી બસ સ્ટેન્ડમાં ફરજ બજાવતા સફાઈ કામદારને સોનાના દાગીના અને રોકડ ભરેલું પર્સ બસમાંથી મળી આવતા ડેપો મેનેજરને સુપ્રત કરાયું

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પર્સના માલિકે ડેપો મેનેજર અને સફાઈ કામદારનો આભાર માન્યો

જામનગરના એસ.ટી ડેપો પર સુરેન્દ્રનગરથી આવેલી બસમાં એક દંપતી પોતાની રોકડ રકમ અને સોનાના દાગીના ભરેલું પર્સ ભૂલીને ચાલ્યા ગયા હતા. જે સફાઈ કામદારને બસ સફાઈ દરમિયાન મળી આવતાં એસ ટી ડેપો મેનેજરને સોંપ્યું હતું, અને ડેપો મેનેજર દ્વારા દંપતીને શોધીને તેમને પરત કરાયું હતું.

જામનગરના એસ.ટી.ડેપોમાં સફાઈ કામ કરતા રાકેશીને સુરેન્દ્રનગરથી જામનગર આવેલી એસટી બસની અંદર સફાઈ કરવામાં આવી રહી હતી, જે દરમિયાન તેને એક પર્સ મળી આવ્યું હતું. જે પર્સની અંદર સોનાના દાગીના અને 35 હજારની રોકડ રકમ તથા અન્ય ડોક્યુમેન્ટ વગેરે હતા. જેથી સફાઈ કામદાર તુરત જ ડેપો મેનેજર જે.વી. ઇશરાણીનો સંપર્ક કરી પાસે સુપરત કર્યું હતું. જેથી ડેપોના મેનેજર દ્વારા પસની અંદર રહેલા ડોક્યુમેન્ટ્સના આધારે પર્સના મૂળમાલિકને શોધવાનો પ્રયત્ર કર્યો હતો, અને ભાવનગર પંથકના ઉમરાળા વિસ્તારના મુકેશસિંહ ગોહિલને શોધી કાઢ્યા હતા. જેઓ પોતાના પત્ની પ્રફુલાબા સાથે સુરેન્દ્રનગરથી જી.જે.૧૮ ઝેડ પ૯૯૬ નંબરની બસમાં બેસીને રાજકોટથી જામનગર તેમના સંબંધીને ત્યાં આવ્યા હતા.

જેથી ટેલિફોનિક સંદેશો આપીને તેઓને પરત જામનગરના એસ.ટી ડેપો પર બોલાવ્યા હતા. અને સફાઈ કામદારની હાજરીમાં ડેપો મેનેજરે મૂળમાલિકને તેનું પર્સ સુપરત કરી દીધું હતું. જેમાં એક સોનાનું મંગળસૂત્ર, બે સોનાની વીટી, તથા ૩૫ હજારની રોકડ રકમ વગેરે હતી. જે સ્વીકારી લઈ મુકેશસિંહ ગોહિલે સફાઈ કામદાર રાકેશ જોષી તેમજ ડેપો મેનેજરનો આભાર માન્યો હતો, અને તેઓની પ્રમાણિકતાને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...