દેશમાં રવિવારે ઓમિક્રોનના એક જ દિવસમાં 18 કેસ સામે આવ્યા છે, જેમાં રાજસ્થાનમાં સૌથી વધુ 9 દર્દી મળી આવ્યા છે. અહીં એક જ પરિવારના 4 સભ્ય હાલમાં જ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા હતા. તેમના સંપર્કમાં આવેલા 5 લોકોમાં પણ ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. આ પહેલાં પુણેમાં એક અને એની નજીક આવેલા પિંપરી ચિંચવાડમાં 7 લોકોમાં નવો વેરિયન્ટ મળ્યો હતો. દિલ્હીમાં પણ એક દર્દી આ નવા વેરિયન્ટથી સંક્રમિત થયો છે. આ સાથે જ દેશમાં નવા વેરિયન્ટનાં 5 રાજ્યમાં 22 કેસ થઈ ગયા છે.
ગુજરાતના જામનગરમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. ત્યાર બાદ આરોગ્ય વિભાગ દ્વારા તેના સંપર્કમાં આવેલા અન્ય લોકોના ટેસ્ટ હાથ ધરતાં વધુ બે લોકો કોરોના સંક્રમિત મળ્યા છે. આ બંને લોકો જે વેરિયન્ટથી સંક્રમણ થયા છે એ ઓમિક્રોન છે કે નહીં એ જાણવા માટે બંનેના સેમ્પલ લઈ ગાંધીનગરની લેબમાં મોકલી આપ્યાં છે. બંનેને હાલ જામનગરની હોસ્પિટલમાં આઈસોલેટ કરી દેવાયા છે.
મહારાષ્ટ્રમાં રવિવારે ઓમિક્રોનના 8 નવા કેસ સામે આવ્યા છે. પિંપરી ચિંચવાડ જિલ્લામાં કોરોના પોઝિટિવ મળી આવેલા 7 લોકોના સેમ્પલ્સને જીનોમ સીક્વેન્સિંગમાં કોરોનાના નવા વેરિયન્ટની પુષ્ટિ કરવામાં આવી છે. આ તમામને કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં નવા વેરિયન્ટના કુલ 21 કેસ સામે આવ્યાં છે, જ્યારે એક જ દિવસમાં ઓમિક્રોનના 17 કેસની પુષ્ટિ થઈ છે. દિલ્હી અને પિંપરી ચિંચવાડ પહેલાં બેંગલુરુ, મુંબઈ અને જામનગરમાં નવા વેરિયન્ટના કેસ મળ્યા હતા.
દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો હતો રાજસ્થાનનો પરિવાર
રાજસ્થાનના સંક્રમિત પરિવારના 4 સભ્ય 25 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી દુબઈ અને મુંબઈ થઈને જયપુર પહોંચ્યા હતા. અહીં તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તેમનાં સેમ્પલ જીનોમો સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યાં હતાં. એ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ પરિવારને રાજસ્થાન સ્વાસ્થ્ય વિજ્ઞાન વિશ્વવિદ્યાલય (RUHS)માં દાખલ કરવામાં આવ્યો છે, જેમાં માતા-પિતાની સાથે બે બાળકો પણ સામેલ છે.
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો વિસ્ફોટ
મહારાષ્ટ્રમાં રવિવારે ઓમિક્રોનના 8 નવા કેસ સામે આવ્યા છે. પિંપરી ચિંચવાડ જિલ્લામાં કોરોના પોઝિટિવ મળી આવેલા 7 લોકોનાં સેમ્પલ્સને જીનોમ સિક્વેન્સિંગમાં કોરોનાના નવા વેરિયન્ટની પુષ્ટિ કરવામાં આવી છે. આ તમામને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે. ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર ભગવાન પવારે જણાવ્યું હતું કે પુણેના આલંદીમાં એક શખસ ઓમિક્રોનથી સંક્રમિત થયો છે.
પિંપરી ચિંચવાડમાં ઓમિક્રોનથી સંક્રમિત મળેલા 7 લોકોમાંથી 4 લોકો વિદેશથી પરત ફર્યા હતા. આ તમામના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એ બાદ તેમના સંપર્કમાં આવેલા 3 અન્યના પણ ટેસ્ટ કરાયા હતા. આ ત્રણેય પણ કોરોના પોઝિટિવ થયા છે. આ તમામનાં સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યાં હતાં, જેમના રિપોર્ટ રવિવારે આવ્યા છે. આ રિપોર્ટમાં આ તમામને ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત હોવાનું જણાવાયું છે.
દિલ્હીમાં ટાન્ઝાન્યિાથી આવેલો શખસ સંક્રમિત
આ પહેલાં રવિવારે સવારે દિલ્હીમાં ઓમિક્રોનનો પહેલો કેસ મળી આવ્યો હતો. દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે સંક્રમિત લોકો ટાન્ઝાનિયાથી આવ્યા હતા. એરપોર્ટ પર તપાસ કરવામાં આવ્યા બાદ તેઓ ઓમિક્રોનથી સંક્રમિત થયા હોવાની જાણકારી સામે આવી છે. તેમને દિલ્હીની LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
LNJP હોસ્પિટલના એમડી સુરેશ કુમારે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ ઓમિક્રોનના દર્દીના ગળામાં સોજો, થકાવટ અને શરીરમાં દુખાવોનાં લક્ષણો મળ્યાં હતાં. સંક્રમિતે વેક્સિનના બંને ડોઝ લીધા હતા, તેથી તેમનામાં સામાન્ય લક્ષણો જ જોવા મળી રહ્યાં છે. આ પહેલાં શનિવારે ગુજરાતના જામનગરમાં ઓમિક્રોનથી સંક્રમિત મળી આવ્યા હતા. જ્યારે મુંબઈ અને બેંગલુરુમાં પણ ઓમિક્રોનના કેસ મળીને દેશમાં આ વેરિયન્ટના કુલ 5 સંક્રમિત સામે આવ્યા છે.
જયપુરમાં કુલ 34 લોકોનાં સેમ્પલનું જિનોમ સિકવેન્સિંગ થયું, 9 સંક્રમિત
રાજસ્થાનના આરોગ્ય સચિવ વૈભવ ગાલરિયાએ જણાવ્યું હતું કે જિનોમ સિક્વેન્સિંગમાં આ 9 લોકો ઓમિક્રોન સંક્રમિત હોવાનું કન્ફર્મ થયું છે. એક જ પરિવારના 4 લોકોના સંપર્કમાં આવેલા અન્ય પાંચ લોકોને આઇસોલેટ કરવામાં આવ્યા છે. ગાલરિયાએ કહ્યું હતું કે 34 લોકોનાં સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 9 પોઝિટિવ હોવાનું જણાયું હતું. તમામ 9 લોકોના સંપર્કનું ટ્રેસિંગ ચાલી રહ્યું છે.
રાહતની વાત: દેશમાં નોંધાયેલા ઓમિક્રોન દર્દીઓની હાલત સ્થિર
કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં નોંધાયેલા ઓમિક્રોન દર્દીઓની હાલત સ્થિર છે. ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે, આ દર્દીઓને માઇલ્ડ લક્ષણો છે, તેથી તેમને આઇસોલેટ કરીને સામાન્ય દર્દીઓની જેમ સારવાર આપવામાં આવી રહી છે. તમામ દર્દીઓ દૈનિક ક્રિયાઓ કોઈપણ અડચણ વિના કરી શકે છે. જામનગરના 72 વર્ષીય ઓમિક્રોન દર્દીને શરૂઆતમાં ઝીણો તાવ, ખાંસી જેવાં લક્ષણો હતાં, પણ આઇસોલેટ કરાયા બાદ તેમની હાલત સ્થિર છે. એ જ રીતે મુંબઈના 33 વર્ષીય યુવાનની હાલત પણ સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
વિશ્વના 50 દેશમાં ઓમિક્રોનની એન્ટ્રી, એકપણ મોત નહીં
દક્ષિણ આફ્રિકાએ સૌથી પહેલા 24 નવેમ્બરે કોરોનાના નવા વેરિયન્ટને પારખ્યો હતો. બીજા દિવસે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ તેને ઓમિક્રોન નામ આપતાં વેરિયન્ટ ઑફ કન્સર્ન ગણાવ્યો હતો. એ પછી અત્યારસુધીમાં ભારત સહિત વિશ્વના 50 દેશમાં ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જોકે રાહતની વાત એ છે કે આ વેરિયન્ટથી હજુ સુધી એકપણ મોત થયું નથી. ડબ્લ્યુએચઓએ પણ જણાવ્યું છે કે કોઈપણ દેશમાં ઓમિક્રોનથી મોત થયાના અહેવાલ નથી, એટલે કે ઓમિક્રોનને વેરિયન્ટ ઑફ કન્સર્ન ગણાવ્યાના 10 દિવસ પછી પણ કોઈ દર્દીએ જીવ ગુમાવ્યો નથી. બીજી તરફ, દક્ષિણ આફ્રિરાના સૌથી મોટા ખાનગી હેલ્થકેર નેટવર્કના સીઇઓ રિચર્ડ ફ્રેડલેન્ડે જણાવ્યું હતું કે આ વેરિયન્ટ વધુ ચેપી છે. એનાથી ઓછા સમયમાં વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે, પણ કોઈ દર્દીમાં ગંભીર લક્ષણો નથી. ઓમિક્રોનના સંક્રમિતોમાં 20 ટકા વૃદ્ધો છે, બાકીના યુવાનો છે.
પુડુચેરીમાં વેક્સિનેશન ફરજિયાત, આવું કરનાર દેશનું પ્રથમ રાજ્ય
દેશમાં ઓમિક્રોન વાઇરસનો પ્રવેશ થઈ ચૂક્યો છે ત્યારે દક્ષિણના પુડુચેરીમાં રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ રાજ્યમાં પુખ્તવયના તમામ લોકોએ વેક્સિનના બન્ને ડોઝ લેવા ફરજિયાત કરવામાં આવ્યું છે. આદેશનું પાલન નહીં કરનારને કાયદા હેઠળ દંડ કરવામાં આવશે. રસીકરણ ફરજિયાત કરનાર પુડુચેરી દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
જામનગરમાં ઓમિક્રોન વેરિયન્ટનો પોઝિટિવ કેસ નોંધાયો હતો
ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા એક વૃદ્ધમાં ઓમિક્રોન વેરિયન્ટના શંકાસ્પદ લક્ષણો દેખાતાં થોડા દિવસ પહેલાં તેને જામનગરની ડેન્ટર કોલેજમાં ઊભા કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેનો પોઝિટિવ રિપોર્ટ આવતાં તંત્ર દ્વારા તેના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરી ટેસ્ટ કરવામા આવ્યા હતા, જેમાં બે લોકોના કોરોના પોઝિટિવ રિપોર્ટ મળી આવતાં આરોગ્યતંત્રની ચિંતા વધી છે.
ઓમિક્રોનના શંકાસ્પદ બંને દર્દીને આઈસોલેટ કરાયા
આજે ઓમિક્રોન વેરિયન્ટના જે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. તે બંને દર્દી ગઈકાલે નોંધાયેલા પોઝિટિવ કેસના પરિવારમાંથી જ હોવાનું સામે આવ્યું છે. બંનેના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ જામનગરની કોવિડ હોસ્પિટલમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે. બંને દર્દી ઓમિક્રોન વેરિયન્ટને કારણે સંક્રમિત છે કે નહીં એ જાણવા માટે સેમ્પલ લઈ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલી અપાયાં છે.
અત્યારસુધીમાં દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના 21 પોઝિટિવ કેસ
દેશમાં ત્રણ જ દિવસમાં ઓમિક્રોન વેરિયન્ટનાં પાંચ રાજ્યમાં 21 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં સૌથી વધુ રાજસ્થાનમાં 9, મહારાષ્ટ્રમાં 8 , કર્ણાટકમાં 2 અને દિલ્હી-ગુજરાતમાં 1-1 કેસ નોંધાયો છે. ગુજરાતનો એકમાત્ર કેસ જામનગર શહેરમાં નોંધાયો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.