પોલીસકર્મી સામે ફરિયાદ:ખંભાળિયા-ભાણવડ રોડ પર બેફામ ડ્રાઈવીંગ કરી પોલીસકર્મીએ અકસ્માત સર્જયો, કારમાંથી દારૂની બોટલ મળી આવી

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તાની બાજુ પર ઉભેલી ઈકો કારને અડફેટે લઈ ચાલકને ઈજા પહોંચાડી
  • ઈકો કારના ચાલક દ્વારા અકસ્માત સર્જનાર પોલીસમેન સામે ફરિયાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા-ભાણવડ રોડ પર એક પોલીસમેને પોતાની કાર બેફિકરાઈથી ચલાવી અન્ય કારને અડફેટે લીધી હતી. ઈકો કારના ચાલક અને પોલીસકર્મીને ઈજાઓ પહોંચતા બંનેને સારવાર માટે ખસેડાયા હતા. પોલીસમેનની કારની તલાશી લેતા દારૂની બોટલ મળી આવી હતી.

ખંભાળિયા-ભાણવડ રોડ પર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે બે દિવસ પૂર્વે મોડી સાંજના સમયે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 37 જે. 1089 નંબરની સ્વીફ્ટ મોટરકારના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવી, આ માર્ગ પર ઈક્કો મોટરકારને એક સાઇડમાં રાખીને ઊભેલા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના રહીશ દિલીપભાઈ નરશીભાઈ બારૈયા સાથે અકસ્માત સર્જતા, આ કારમાં સવાર દિલીપભાઈ સહિતના મુસાફરોને ફ્રેક્ચર સહિતની ઇજાઓ થતાં સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માત સર્જતા સ્વીફ્ટ મોટરકારના ચાલક અને ખંભાળિયા પોલીસ હેડકવાર્ટરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હસમુખ હીરાભાઈ પારઘીને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તેને વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં આઇ.સી.યુ.માં સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે દિલીપ બારૈયાની ફરિયાદ પરથી સ્વીફ્ટ કારના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 337,338, 308 તથા એમ.વી. એકટ મુજબ કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ અકસ્માત બાદ પોલીસ દ્વારા સ્વિફ્ટ કારનું ચેકિંગ કરવામાં આવતા આ મોટરકારમાંથી વિદેશી દારૂની એક બોટલ પણ મળી આવી હતી.

આથી પોલીસે સ્વીફ્ટ મોટરકાર નંબર જી.જે. 37 જે.1089ના ચાલક સામે - પ્રોહીબીશન એકટ મુજબ વધુ - એક ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જીને હાલ આઈસીયુમાં દાખલ પોલીસ હેડ કોન્સ્ટેબલ હસમુખ પારઘી સુરેન્દ્રનગર જિલ્લાનો વતની હોવાનું તથા તેને અગાઉ ખંભાળિયામાં એક વિવાદિત સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ થોડા સમય પૂર્વે જ તેને હેડક્વાર્ટરમાં પુનઃ ફરજ પર લેવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણની તપાસ અહીંના પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...