વ્યાજખોરીના દુષણને ડામવા જામનગરના પંચકોસી બી. ડિવિઝન પોલીસ મથકમાં લોક દરબાર યોજાયો હતો. આ દરમિયાન વ્યાજ વસૂલતા શખ્સોથી ત્રસ્ત અનેક પરિવારજનોએ ભાગ લીધો હતો. જેમાં વધુ બે વ્યાજખોરો સામે વ્યાજ વસૂલવા અંગેનો ગુન્હો નોંધાયો છે.
રામભાઈ રણમલભાઈ મોઢવાડિયા નામના ખેડૂતએ લોક દરબારમાં ફરિયાદ કરી કે તેણે એક વ્યાજખોર પાસે 6 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેનું 10 લાખ રાક્ષસી વ્યાજ વસૂલ્યું હતું, ઉપરાંત તેની એક કાર પડાવી લીધા પછી કોરા ચેકોમાં સહી કરાવી તે ચેકને બેંકમાં રિટર્ન કરાવી ખોટા કેસ પણ કર્યા હોવાનું ફરિયાદમાં જાહેર કર્યું હતું. ત્યારબાદ આ મામલે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગોકુલ નગર રડાર રોડ પર રહેતા મનોજ ઉર્ફે મુન્નો મેરામણભાઇ ચાવડા સામે મનીલોન્ડરિંગ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
દિગ્વિજય પ્લોટમાં રહેતા વિમલભાઈ કિશોરભાઈ કનખરા નામના વેપારીએ જામનગરના કપિલ સુભાષભાઈ કનખરા, કેતન ઉર્ફે પીંછી ભરતભાઈ નાખવા, સંજય બચુભાઈ કનખરા અને નીરવ પ્રકાશભાઈ નંદા નામના ચાર વ્યાજખોરો પાસેથી રૂપિયા લીધા હતા.
ત્યારબાદ આ આરોપીઓએ રાક્ષસી વ્યાજ વસૂલી લીધા બાદ પણ સિક્યુરિટી પેટે કોરા ચેક પડાવી લીધાની ફરિયાદ નોંધાવી છે. જેને લઈને સીટી એ. ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.વ્યાજખોરીના દુષણને ડામવા ગૃહ વિભાગના આદેશના પગલે પોલીસે ખાસ ઝૂંબેશ શરૂ કરી છે, ત્યારે આ ઝુંબેશ કેટલી સફળ રહેશે તેના પર સૌની મીટ મંડાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.