જામનગરમાં શાકમાર્કેટ- ભોઈવાડા વિસ્તારમાં રહેતા અને બાંધકામના કોન્ટ્રાક્ટર તરીકે વ્યવસાય કરતા સંજયભાઈ છગનલાલ ચુડાસમાએ જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગઈકાલે રાત્રે જામનગરના નાગેશ્વર વિસ્તારમાં રહેતા શખ્સ ઈકબાલ બાઠિયા અને તેના અન્ય ચાર સાગરીતો સામે પોતાને ધાકધમકી આપી રૂપિયા 1 લાખની ખંડણી માગ્યની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પોતાનું કોન્ટ્રાક્ટનું કામ ચાલતું હતું, દરમિયાન જો કામ ચાલુ રાખવું હોય તો એક લાખ રૂપિયા આપવા પડશે, તેવી આરોપી ઇકબાલે ધમકી આપી હતી. જે રકમ નહીં આપતાં પોતાને હથિયાર ધારાના ખોટા કેસમાં ફીટ કરાવી દેશે તેવી ફરીથી ધમકી ઉચ્ચારી હતી,
અને ફરિયાદી પોતાના ઘેર હાજર ન હતા, દરમિયાન તેના પત્નીને આરોપીઓ મીઠાઈનું બોક્સ આપી ગયા હતા. જે બોક્સની અંદર એક હથિયાર અને ત્રણ જીવંત કારતુસ સંતાડેલા હતા, જેથી સમગ્ર મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. પોલીસે હથિયાર અને કારતૂસ વગેરે કબજે કરી લીધા છે, જયારે આરોપી ઇકબાલ બાઠીયા અને તેના સાગરીતો સામે ગુનો નોંધ્યો છે અને આ ચારેય આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.