આત્મહત્યા:જામનગરમાં બે પાડોશીઓ વચ્ચેના ઝઘડામાં આધેડનો ગળાફાંસો ખાઇ આપઘાત

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આધેડે બે દિવસ પહેલા પોતાની બહેનના ઘરે જઇ આત્મહત્યા કરી હતી

જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેતા આધેડે પાડોશીઓ સાથે ઝઘડો થયા પછી મનમાં લાગી આવતાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે ત્રણ પાડોશીઓ સામે ગુનો નોંધ્યો છે.

જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેતા ભગવાનજીભાઈ પ્રાગજીભાઈ સોલંકી નામના 52 વર્ષના આધેડે પાડોશીના ઝઘડા ના કારણે પોતાના બહેન ના ઘેર પહોંચી જઈ ત્યાં પંખામાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જેથી સમગ્ર પરિવાર હતપ્રભ બની ગયો હતો.

આ બનાવ અંગે મૃતકના પુત્ર વિશાલ ભગવાનજીભાઈ સોલંકી એ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ સરકારી હોસ્પિટલે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસમાં જાહેર કરાયા અનુસાર ભગવનજીભાઈ પ્રાગજીભાઈ અને તેના પાડોશમાં જ રહેતા સંજય મકવાણા કે જેની સાથે ઉઠવા બેસવાનો વ્યવહાર હતો, પરંતુ થોડા સમય પહેલા બંને વચ્ચે ઝઘડો થતાં સામસામે પોલીસમાં અરજી કરાઈ હતી.

જે અરજીના અનુસંધાને બંને પરિવારને પોલીસ મથકે બોલાવાયા હતા, પરંતુ સમાધાન થયું ન હતું, અને પોતાના ઘેર ગયા હતા. ત્યાં ફરીથી ઝઘડો થયો હતો. જેથી ભગવાનજીભાઈ હર્ષદ મિલની ચાલી મહાવીર નગર વિસ્તારમાં રહેતા પોતાના બહેનના ઘેર પહોંચ્યા હતા, જ્યાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે પોલીસે મૃતકના પુત્ર વિશાલ ભગવાનજીભાઈ સોલંકીની ફરિયાદના આધારે તેના પિતાને માનસિક ત્રાસ આપી ધાકધમકી આપી આત્મહત્યા કરવા માટે મજબૂર કરનારા ત્રણ પાડોશીઓ કરણ મકવાણા, સંજય મકવાણા, અને નાથાલાલ મકવાણા સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...