રસીકરણ અભિયાન:પ્રધાનમંત્રીના જન્મદિવસે આવતીકાલે જામનગરમાં યોજાશે મેગા વેક્સિનેશન ડ્રાઈવ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 117 રસીકરણ કેન્દ્રો પર સવારે 8 કલાકથી મોડી રાત્રી સુધી વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે

જામનગર માં કાલે 17 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જામનગર જિલ્લામાં મેગા વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત શહેર અને જિલ્લા કક્ષાએ 117 રસીકરણ કેન્દ્રો ખાતે સવારે 8 કલાક થી મોડી રાત્રી સુધી રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

ગ્રામ્ય વિસ્તારના 239 જેટલા ગામોમાં વેક્સિનેશનની કામગીરી થશે. રસીકરણ ઝુંબેશને વધુ વેગવાન બનાવવા જામનગર જિલ્લાના પી.એચ.પી, સી.એચ.સી, યુ.પી. એચ.સી. કેન્દ્રો ઉપરાંત રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ટોલ પ્લાઝા જેવા જાહેર જનતાની વધુ અવરજવર ધરાવતા સ્થળો પર પણ કેન્દ્ર નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ માટે 426 જેટલા વેક્સિનેટરો અને 1000 જેટલા ફિલ્ડ સ્ટાફ દ્વારા રસીકરણની પ્રક્રિયા કરવામાં આવશે.

ડો. સૌરભ પારધી, કલેકટર જામનગર
ડો. સૌરભ પારધી, કલેકટર જામનગર

હાલ જામનગર ખાતે 80% જેટલા લોકોએ વેકિસનનો પ્રથમ ડોઝ મેળવેલ છે, જેમાંના 78% જેટલા લોકોએ બીજો ડોઝ પણ મેળવી લીધેલ છે. ત્યારે આવતીકાલે વેક્સિન લેવામાં બાકી રહેલા અને બીજા ડોઝ માટેના લોકોને રસી આપવામાં આવશે. આ માટે જિલ્લા કક્ષાએ શહેર અને ગ્રામ્ય વિસ્તારની બાકી રહેલા લોકોની યાદી પણ તૈયાર કરવામાં આવેલ છે.જામનગર શહેર કક્ષાએ આવતીકાલે 27,500 અને ગ્રામ્ય કક્ષાએ 49,500 જેટલા ડોઝ સાથે એક જ દિવસમાં 70 હજાર લોકોને રસી આપવા માટેનો નિર્ધાર તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

વિજય ખરાડી, કમિશનર જામનગર
વિજય ખરાડી, કમિશનર જામનગર

આ તકે કલેકટર ડો. સૌરભ પારઘીએ જાહેર જનતાને અપીલ કરતા કહ્યું હતું કે, બીજો ડોઝ જેમને બાકી હોય તેઓ અને સાથે જ પહેલા ડોઝ માટે પણ સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરીને રસી આપવામાં આવશે ત્યારે લોકો નજીકના સેન્ટર પર જઈ રસી લઈ સ્વયં અને પરિવારને સુરક્ષિત બનાવે તેમજ આ ઝુંબેશને સફળ બનાવવામાં સહયોગ આપે.

તો મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડીએ આવતીકાલની ડ્રાઈવ વિશેના આયોજન વિશે જણાવતાં કહ્યું હતું કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ૫૫ કેન્દ્રો પર આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. હાલ જામનગર શહેરના 4 લાખ 70 હજાર જેટલા લોકો રસી લેવા માટેના વયજૂથમાં સમાવિષ્ટ છે. જેમાંના 3 લાખ 76 હજાર જેટલા લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધેલ છે ત્યારે તંત્રએ ૭૪ હજાર જેટલા લોકોને આઈડેન્ટિફાય કરી અને તેની યાદી પણ બનાવી છે, જેમને આવતીકાલે રસીકરણ અભિયાનમાં જોડવા માટેનો પ્રયાસ કરવામાં આવશે.

તદુપરાંત આવતીકાલે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આરોગ્યલક્ષી યોજના દીનદયાલ ઔષધાલય અંતર્ગત શહેરમાં 7 જગ્યા ઉપર જેમાં શાળા નં. 31, શાળા નં. 40, શાળા નં. 30, હાપા કુમાર શાળા ,વિશ્રામવાડી કેન્દ્ર ,હિન્દી કુમાર શાળા અને શાળા નં. 3 પર આ યોજનાનો આવતીકાલે સાંજે 5 વાગ્યે પ્રારંભ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત ઝુપડપટ્ટી વિસ્તારના લોકોને પણ આરોગ્યની સુવિધાઓ તત્કાલ અને સુલભ રીતે મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે તેમ કમિશનરે ઉમેર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જન્મદિને વધુમાં વધુ લોકોને રસી લઈ કોરોનામુક્ત જામનગર તરફ અગ્રસર થવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...