બેઠક:માછીમારોના પ્રશ્નોના નિરાકરણ અર્થે જામનગર સર્કિટ હાઉસ ખાતે મંત્રી જવાહર ચાવડાની અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માછીમારોના પ્રશ્નોના નિરાકરણ લાવવા મંત્રીએ ખાત્રી આપી

જામનગર સર્કિટ હાઉસ ખાતે માછીમારોના પ્રશ્નોના નિરાકરણ અર્થે મંત્રી જવાહર ચાવડાની અધ્યક્ષસ્થાને બેઠક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રીએ જામનગર શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ઉપસ્થિત રહેલા માછીમારોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી.

જામનગરના માછીમારો દ્વારા સિકકા જેટી, નવી બોટોના રજીસ્ટ્રેશન, બાયોમેટ્રિક કાર્ડ, ઓફ સિઝનમાં બહારના વિસ્તારની બોટો દ્વારા કરવામાં આવતી માછીમારી, માછીમારોના દરિયામાં થતાં મૃત્યુ બાદ સહાય તેમજ આ વર્ષે ઓફ સિઝનને લંબાવાતા માછીમારોના ગુજરાન વગેરે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતાં.

માછીમારો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા મંત્રીએ અધિકારીઓને ખાસ સૂચનાઓ આપી હતી. તેમજ માછીમારોના પ્રશ્રોના નિરાકરણની ખાતરી આપી હતી. મંત્રી દ્વારા યોજાયેલી બેઠકમાં ધારાસભ્ય રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.