જોડીયા તાલુકાના બાલંભા ગામના પાટીયા પાસેથી પોલીસે એક દેશી પિસ્ટલ અને 5 જીવંત કાર્ટીસ સાથે સ્થાનિક શખ્સને દબોચી લીઘો હતો.પોલીસે હથિયાર,બાઇક સહિત અડધા લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો અને પકડાયેલા શખ્સ સામે આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી પુછતાછ હાથ ધરી છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જોડીયાના પીએસઆઇ ડી.પી. ચુડાસમા અને ટીમ ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગ કરી રહયો હતો જે સ્ટાફના એએસઆઇ રવિરાજસિંહ જાડેજા,પો.કો.અશોકસિ઼હ જાડેજા સહિતની ટીમને એક શખ્સ બાલંભા પાટીયા પાસે ગેરકાયદે પિસ્ટલ રાખીને બાઇક પર આંટા ફેરા કરી રહયો હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસ ટીમે ત્વરીત ધસી જઇ વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં દિલીપ વસતભાઇ માલવીયાને અટકાવી તેની તલાશી લીઘી હતી જેના કબજામાંથી એક દેશી પિસ્ટલ અને પાંચ જીવંત કાર્ટીસ મળી આવ્યા હતા.
આથી પોલીસે પિસ્ટલ,કાર્ટીસ અને બાઇક સહિત રૂ.50,500ની માલમતા કબજે કરી હતી અને તેની સામે આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવી હથિયાર પ્રકરણની વધુ તપાસ હાથ ધરી છે. આ હથિયાર કયાંથી લવાયુ છે? સહિતની બાબતનો તાગ મેળવવા પોલીસે પકડાયેલા શખ્સની સધન પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.