જામનગરમાં ભગવાન પરશુરામ જયંતિની શોભાયાત્રા બાલા હનુમાન મંદિર તળાવની પાળથી પ્રસ્થાન કરાઈ
હતી. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જેમાં હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, માંડવી ટાવર, દિપક ટોકીઝ પંજાબ બેંક અને પંચેશ્વર ટાવર ખાતે શોભાયાત્રા ફરી હતી. સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા અખાત્રીજ તેમજ પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
આ શોભાયાત્રામાં અલગ-અલગ 40 જેટલા ફલોટસ જોડાયા હતા. 10 ખુલી બગીઓ સાથે શોભાયાત્રા નીકળી હતી. આશરે 140થી વધુ બાળકો વેશભૂષામાં અલગ-અલગ ફલોટ્સમાં પરિવાર સાથે જોડાયા હતા. બ્રહ્મ સમાજની મહિલાઓ દ્વારા નવદુર્ગા અવતારનો ફલોટસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સાથે સાથે શણગારેલી ઘોડા ગાડી, ઊંટગાડી, સહિતનામાં ખાસ બ્રાહ્મણોના સંતો મહાપુરુષના ફલોટસ સહિત ડી.જે સાઉન્ડ રાખવામાં આવ્યાં હતા.
આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હવાઈ ચોક ખાતે શોભાયાત્રા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી તેમજ ડીજેના તાલ સાથે શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથો સાથ સ્તર પર ફટાકડા ફોડી આતશબાજી પણ કરાઈ હતી. પરશુરામ જયંતિની શોભાયાત્રા ટાઉનહોલ ખાતે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ બ્રહ્મ સમાજ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરશુરામ શોભાયાત્રામાં જિલ્લા તથા શહેરના બ્રહ્મ સમાજના ભૂદેવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શહેરમાં વિવિધ ઘટકો અને પેટા જ્ઞાતિના બ્રાહ્મણો મોટી સંખ્યામાં જોડાયા હતા.
પરશુરામ શોભાયાત્રામાં બાલા હનુમાન મંદિરથી તળાવની પાળેથી જાણીતા કથાકાર ભાઈ શ્રી રમેશભાઇ ઓઝા દ્વારા પ્રસ્થાન કરાયું હતું. જેમાં બ્રહ્મ સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણી અને મોટી સંખ્યામાં શહેરના આગેવાનો જોડાયા હતા. આ શોભાયાત્રામાં હાસ્ય કલાકાર સાઇરામ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ રાજ્યના પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, તેમજ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય આર.સી.ફળદુ અને પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી નરેન્દ્ર ત્રિવેદી, બ્રહ્મ સમાજના પ્રમુખ મનસુખ જોષી તથા બ્રહ્મ સમાજના હોદ્દેદારો આશિષ જોશી, સુનિલ ખેતીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.